યુપીએસસીની પરીક્ષાના નિયમમાં ફેરફાર, 10 મિનિટ પહેલા એન્ટ્રી ફરજિયાતMay 17, 2019

રાજકોટ તા.17
રાજકોટ સહિત દેશભરમાં આગામી બે જૂને લેવાનાર યુપીએસસીની પરીક્ષામાં કેટલાક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટમાં ઇન્સ્પેટીંગ ઓથોરીટીની મળેલી બેઠકમાં વિદ્યાર્થીઓને જે સેન્ટર ફાળવ્યું હોય તે જ સેન્ટરમાં પરીક્ષા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કલેકટર કચેરીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી તા.2 જૂને રાજકોટ શહેરના 13 કેન્દ્રો ઉપરથી 3800 થી વધુ વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષા આપનાર છે. જેની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
અત્યાર સુધી યુપીએસસીની પરીક્ષામાં પરીક્ષાર્થી મોડો આવે તો તેને એન્ટ્રી આપવામાં આવતી હતી. આ વખતે નિયમમાં ફેરફાર થતા હવે પરીક્ષા શરૂ થાય તેના 10 મીનીટ પહેલા પરીક્ષાર્થીએ એન્ટ્રી લઇ લેવી ફરજીયાત કરવામાં આવી છે. ઉપરાંત અત્યાર સુધી પેપર બોકસમાં આવતા હતા તે હવે બંધ કરવામાં આવ્યા છે અને હવે સીલબંધ પોલીથીનની બેગમાં પેપર આવશે જે પરીક્ષાના દસ મીનીટ પહેલા ખોલવામાં આવનાર છે.
યુપીએસસીની પરીક્ષામાં સૌથી મોટો નિર્ણય એ હતો કે જે સેન્ટર વિદ્યાર્થીને ફાળવામાં આવ્યું હોય તે સેન્ટરની બદલે વિદ્યાર્થી મોડો પહોચ્યો હોય તો ગમે તે સેન્ટરમાં તેને સ્થાન આપવામાં આવતું હતું. હવે પરીક્ષાર્થીને જે સેન્ટર ફાળવવામાં આવ્યું છે તે જ સેન્ટરમાં પરીક્ષા આપવી ફરજીયાત કરવામાં આવી છે.