રાજકોટ લોકસભા ચૂંટણીના મતદાનમાં વ્યાપક ગેરરીતિની પંચને ફરિયાદMay 17, 2019

  • રાજકોટ લોકસભા ચૂંટણીના મતદાનમાં વ્યાપક ગેરરીતિની પંચને ફરિયાદ

રાજકોટ તા.17
રાજકોટ લોકસભા ચૂંટણીમાં પ્રિસાઇડીંગ ઓફીસર દ્વારા મતદાન દરમિયાન ગેરરીતિ-ગોટાળા કરવામાં આવ્યા હોવાની ધગધગતી લેખિત ફરીયાદ મુખ્ય ચૂંટણી કમિશ્નર સહિત રાજકોટ જીલ્લા કલેકટરને કોંગ્રેસના મહામંત્રી મોહનભાઇ સોજીત્રાએ કરી છે.
વિભાગ-68 માં મતદાન મથક ક્રમાંક 115 ના પ્રિસાઇડીંગ ઓફીસરને આપેલ ફોર્મ (17સી) માં પ્રિસાઇડીંગ ઓફીસરે તેને આપવામાં આવેલ પેપરસીલ નંગ-2 પૈકી કયુ પેપરસીલ કેટલા નંબરનું કેટલા નંબરનું ઇવીએમ પર લગાવવામાં વાપર્યુ છે અને કયુ પેપરસીલ કેટલા નંબરનું પરત જમા કરાવેલ છે તેની સ્પષ્ટ વિગત ફોર્મ (17સી) માં પ્રિસાઇડીંગ ઓફીસરે દર્શાવી નથી. આ ક્ષતિ કે ગેરરીતિના કારણે ઇવીએમની ઘાલમેલ થવાની શંકા હોય તપાસ કરવા માગણી કરવામાં આવી છે.
વિભાગ-68 રાજકોટના મતદાન મથક ક્રમાંક 83 માં ફોર્મ (17સી)માં કોલમ(1) માં મતદાન મથકને ફાળવવામાં આવેલ મતદારોની કુલ સંખ્યા દર્શાવી છે. ફોર્મ (17સી) ની કોલમ(2) માં કુલ મતદારની સંખ્યા પણ તેટલી જ દર્શાવી છે. એટલે કે 100 ટકા મતદાન થયું તે શંકાના દાયરામાં છે. વિભાગ 68 રાજકોટના મતદાન મથક ક્રમાંક 109 માં પણ ઉપરોકત પારા (2)માં દર્શાવ્યા મુજબ પ્રિસાઇડીંગ ઓફીસરે મતદારની સંખ્યા 1153 દર્શાવી છે અને કુલ મતદાન થયાની સંખ્યા પણ 1153 ફોર્મ (17સી)ની કોલમ(2)માં પત્રક (17ક)માં એ જ સંખ્યા દર્શાવી છે તે શંકાના દાયરામાં છે.
વિભાગ-68 રાજકોટના મતદાન મથક ક્રમાંક 147 ના પ્રિસાઇડીંગ ઓફીસર દ્વારા ફોર્મ (17સી) માં કોલમ(1) તથા કોલમ(2)માં મતદારની સંખ્યા તથા થયેલ મતદાનની કુલ સંખ્યા દર્શાવી નથી. ફોર્મ વિગત દર્શાવ્યા વિનાનું કોરી વિગતવાળું કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ કગથરાના મતદાન એજન્ટને આપેલ છે.
વિભાગ-68 રાજકોટના મતદાન મથક ક્રમાંક 133 ના પ્રિસાઇડીંગ ઓફીસરે ફોર્મ (17સી) પોતાની સહી કર્યા વિના મતદાન એજન્ટને આપવામાં આવેલ છે તે બાબત શોચનીય અને તપાસ માંગતી છે. વિભાગ-68 રાજકોટના મતદાન મથક ક્રમાંક 115 ના પ્રિસાઇડીંગ ઓફીસરને ફોર્મ (17સી) ની કોલમ(10) મુજબ આપેલ પેપરસીલ નંગ-2 પૈકી પેપરસીલ-1 પરત જમા પ્રિસાઇડીંગ ઓફીસર દ્વારા કરાયેલ છે પરંતુ કયા નંબરનું પેપરસીલ વપરાયેલ છે, કયા નંબરનું પેપરસીલ જમા કરાવેલ છે તે દર્શાવેલ નથી. જે બાબત પણ શંકાના દાયરામાં છે.
વિભાગ-68 રાજકોટ પૂર્વમાં શાળા નં.13 શાળા નં.78, શાળા નં.97 તથા સાંદીપની શાળા વગેરે મતદાન મથકોના મતદારોની કુલ સંખ્યાનું વિભાજન કરીને મતદાન જે રૂમમાં જે મથકમાં કયા ક્રમથી કયા ક્રમ સુધી મતદારોએ મતદાન કરવાનું તેની વિગત દરેક મતદાન મથક પર હોડીંગ દ્વારા મથકના મેઇન ગેઇટ પર દર્શાવી નથી. જેથી સંખ્યાબંધ મતદારો મતદાન કરવાથી વંચિત રહ્યા છે.
વિભાગ-68 પૂર્વ રાજકોટના મતદાન મથક ક્રમાંક 83, 91, 106, 112, 113 વગેરેના પ્રિસાઇડીંગ અધિકારી દ્વારા ફોર્મ (17સી) કોલમ(પ)બી માં કુલ 10 ઉમેદવારોના મતદાન એજન્ટ દ્વારા મોકપોલ (ઇવીએમ ચકાસણી)ની વિગતોમાં ઉમેદવારના મતદાન એજન્ટ દ્વારા મોકપોલ કરાયાની વિગત નીલ દર્શાવી છે. આ બાબત અતિશોચનીય છે. કારણ કે દસે દસ ઉમેદવારના મતદાન એજન્ટ મોકપોલ ન કરે તે માની શકાય નહીં. કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ કગથરાના મતદાન એજન્ટે મોકપોલ કરેલ છે તેેના કથન મુજબ અમુક ઉમેદવારના એજન્ટે પણ કરાયાનું જાણવા મળેલ છે. માટે આ બાબતે તપાસ માંગતી હોય, તપાસ કરી ન્યાયી પગલાંની માંગણી કરવામાં આવી છે.
તદ્દઉપરાંત 10, લોકસભા રાજકોટ સમાવિષ્ટ વિધાનસભા ભાગ-68 થી 7પ ના મતદારોને મતદારના ઘરદીઠ મતદાર સ્લીપ તથા મતદાન માર્ગદર્શક (ગાઇડલાઇન) અર્પતી પુસ્તીકાની કુલ સંખ્યાની માહિતી દર્શાવવા તથા જે જે બીએલઓને જેટલી જેટલી સંખ્યામાં ઘરદીઠ પુસ્તીકા વિતરણ કરવા આપવામાં આવેલ તેની પ્રત્યેક બીએલઓ વાઇઝ બીએલઓના નામસહ વિગત દર્શાવવા માગણી છે તેમજ જે જે બીએલઓ દ્વારા વિતરણ ન થયેલ પુસ્તીકા જે જે બીએલઓ દ્વારા પરત જમા ચૂંટણી પંચ સમક્ષ કરાવેલ છે ? તેની બીએલઓ વાઇઝ સંખ્યાની માહિતી આપવા તથા કુલ પરત જમા આવેલ પુસ્તીકાની સંખ્યા દર્શાવવા વિનંતી તથા ભાગ-68 થી 7પ ના મત વિસ્તારને ફાળવેલ પુસ્તીકાની કુલ સંખ્યા તથા પુસ્તીકા છપાવવાનો ખર્ચ, પુસ્તીકા વિતરણના ખર્ચની તથા મતદાર સ્લીપ વિતરણના ખર્ચની વિગતસહ માહિતીથી વાકેફ કરવા રજુઆત કરવામાં આવી છે.