કુવાડવામાં વરસાદ માપવા રેઇનગેઇઝ મીટર મુકાશેMay 17, 2019

રાજકોટ તા.17
ચોમાસા દરમ્યાન વરસાદના સચોટ આંકડા મળી રહે તે માટે રાજકોટ નજીકના કુવાડવા ગામમાં રેઇન ગેઇઝ મીટર મુકવાનો કલેકટર તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ રાજકોટ જીલ્લામાં સંભવિત પુર માટે નીચાણવાળા વિસ્તારોમાં લોકોની સાવચેતી માટે 14 લાઇઝન અધિકારીની નિમણુંક કલેકટર દ્વારા કરવામાં આવી છે.
કલેકટર કચેરીના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કુવાડવા ગામે આવેલ પ્રાઇમરી હેલ્થ સેન્ટર (પીએચસી) ખાતે રેઇન ગેઇજ મીટર (વરસાદના આંકડા માપવાનું યંત્ર) મીટર મુકવામાં આવનાર છે. અત્યાર સુધી રાજકોટ કલેકટર તંત્ર દ્વારા વરસાદના આંકડા એરપોર્ટ વિભાગના હવામાન પાસેથી મેળવવામાં આવતા હતા. એરપોર્ટના હવામાન વિભાગ સવારના 8.30, 11.30, 2.30 અને 5.00 કલાકે આંકડાઓ આપતું હતું. જો કે કલેકટર તંત્રને દર બે કલાકે આંકડા જોતા હોય તે શકય ન હતું. આથી કુવાડવામાં વરસાદ માપવાનું યંત્ર મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કુવાડવામાં કલેકટર તંત્ર દ્વારા મેન્યુઅલી વરસાદ માપવાનું યંત્ર મુકવામાં આવશે. પ્લાસ્ટીકના વાસણમાં માપીયુ રાખવામાં આવશે અને તે એમએમ દર્શાવતુ માપીયુ હશે. જે પીએચસીના ઉપરના ભાગે મુકવામાં આવશે અને તેના થકી વરસાદના આંકડાઓ દર બે કલાકે મેળવવામાં આવશે.
જે ગામમાં નીચાણવાળી જગ્યાઓ હોય અને સંભવિત પુરના પાણી આ સ્થળોએ પહોચનાર હોય કુદરતી આપતી દરમ્યાન લોકોને સાવચેત કરવા માટે રાજકોટ પૂર્વમાં નાયબ કલેકટર મધ્યાહન ભોજન, પશ્ર્ચિમ અને દક્ષિણમાં નાયબ કલેકટર રાજકોટ શહેર-1, રાજકોટ તાલુકામાં નાયબ કલેકટર રાજકોટ શહેર-2, લોધીકામાં જીલ્લા આયોજન અધિકારી, કોટડાસાંગાણીમાં ડે.ડીડીઓ, ગોંડલમાં પ્રાંત અધિકારી, જેતપુરમાં ડે. ડીડીઓ (વિકાસ), ધોરાજી પ્રાંત અધિકારી ઉપલેટા, જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જામકંડોરણા જીલ્લા નિરીક્ષક જમીન દફતર, પડધરી પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય, જસદણ પ્રાંત અધિકારી, વિંછીયા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.