ઓનલાઇન બીનખેતીના સોફટવેરમાં ધરખમ ફેરફાર કરાયાMay 17, 2019

  •  ઓનલાઇન બીનખેતીના સોફટવેરમાં ધરખમ ફેરફાર કરાયા

રાજકોટ તા.17
રાજકોટ સહિત રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા લાભપાંચમથી શરૂ કરવામાં આવેલ ઓનલાઇન બીનખેતી મંજુરીમાં નવો સોફટવેર શરૂ કરાયા બાદ તેમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે અરજદારને બીનખેતી કરવામાં સરળતા મળી રહી છે. જેમજેમ ફરીયાદોનો મારો વધતો જાય છે તેમ તેમ સોફટવેરમાં સુધારા-વધારા કરવામાં આવી રહ્યા છે.
કલેકટર સૂત્રોના જણાવ્યા મુજબ 12 માર્ચથી રાજકોટ સહિત રાજ્યભરમાં એનઆઇસીએ બનાવેલો સોફટવેર અમલમાં મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકારની જ માલીકીના સોફટવેર તૈયાર કરવામાં આવતા તેના ઘણા બધા ફાયદાઓ અરજદારો અને સરકારી તંત્રને મળી રહ્યા છે.
અગાઉ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન બીનખેતી માટે ટાટા કંપનીનો સોફટવેર તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં અનેક ક્ષતિઓ રહેતા અને ઢગલાબંધ ફરીયાદોનો નિકાલ કરવામાં નહીં આવતા બીલ્ડરો અને અરજદારો હેરાન પરેશાન થઇ ગયા હતા. રાજ્ય સરકાર દ્વારા સોફટવેરમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા છતા પણ ઓનલાઇન બીનખેતીની સમસ્યા હલ થતી ન હતી. અંતે રાજ્ય સરકાર દ્વારા પોતાની જ માલીકીની કંપની એનઆઇસી મારફત આખો નવો સોફટવેર ઉભો કરવામાં આવ્યો છે.
રાજકોટમાં ઓનલાઇન બીનખેતીમાં જુના સોફટવેર મુજબ નવેમ્બરની 12 માર્ચ સુધીમાં કુલ 638 અરજીઓને બીનખેતીના હુકમ આપવામાં આવ્યા હતા. તે દરમ્યાન જીલ્લા પંચાયતમાં બીનખેતીની સત્તા કલેકટરને આપવામાં આવતા રાજકોટ જીલ્લા પંચાયત હસ્તકની ઓફલાઇનવાળી 85 અરજીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 12 માર્ચથી નવો સોફટવેર લાગુ કરવામાં આવ્યો છે તેમાં અત્યાર સુધીમાં 283 અરજી ઓનલાઇન બીનખેતી કરવામાં આવી છે.
વધુમાં મળતી વિગત મુજબ નવા સોફટવેરમાં પણ રાજ્ય સરકાર દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમાં ફેરફાર કરવામાં આવતા ન હતા હવે ઓનલાઇન અરજી સબમીટ થઇ ગયા બાદ પણ તેમાં સુધારા-વધારા થઇ શકે છે. તેના કારણે અરજદારને નવેસરથી બીજી વખત અરજી કરવી પડતી નથી. ઉપરાંત જો સરકારી તંત્ર દ્વારા અરજીમાં ભુલ કે ક્ષતિ કાઢવામાં આવે તો તેનો ડેટા અરજદારને આસાનીથી મળી શકે છે.
અગાઉના સોફટવેરમાં અરજી કર્યા બાદ તેનો લેટર અને ઓટીપી નંબર અલગ-અલગ મળતા હતા. હવે નવા સોફટવેરમાં લેટર અને ઓટીપી નંબર એકસાથે મળી રહ્યા છે તેથી અરજદારને પૈસા ભરવામાં પણ સરળતા રહે છે. જો કે નવા સોફટવેરમાં એક ખામી છે કે બીનખેતીની ફાઇલ કયા સ્ટેજે પહોંચી છે તે જોઇ શકાતી નથી પરંતુ જુના સોફટવેરમાં આ સીસ્ટમ હતી કે બીનખેતીની અરજી કયા તબક્કે છે તેમજ જીલ્લામાં ગમે તે અધિકારી અરજી જોઇ શકતા હતા જે નવા સોફટવેરમાં નથી.