કાલે શ્રી મનહર પ્લોટ સંઘમાં પૂજ્ય ડુંગરસિંહજી સ્વામીની 198મી પુણ્યતિથિ તપ જપથી ઉજવાશેMay 17, 2019

રાજકોટ તા.17
ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક અનંત ઉપકારી એકાવતારી નિદ્રાવિજેતા પ્રાત: સ્મરણીય પ્રથમ આચાર્ય ભગવંત 1008 બા.બ્ર.પૂ. ડુંગરસિંહજી મહારાજ સાહેબની 198 મી પુણ્યતિથિનો દિવ્ય અવસર શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે બિરાજતા સપ્તમ આચાર્ય ભગવંત પૂ.પુરૂષોતમજી મ.સા.ના આજ્ઞાનુવર્તીની પૂ.સૂર્યવિજય ગુરુણી પરિવારના સુશિષ્યા પ્રવચન પ્રભાવિકા પૂ.ભાનુબાઇ મ.ના સુશિષ્યા મધુર વ્યાખ્યાતા પૂ.હંસાબાઇ મ.ઠા.04 ના પરમ સાનિધ્યે વૈશાખ સુદ પૂનમ તા.18 શનિવારના તપ જપની સાધના આરાધનાથી ભવ્યતાથી ઉજવાશે.
ગોંડલ ગચ્છાધિપતિ પૂ.ડુંગરસિંહજી મ.સા.ના પુણ્યતિથિ ઉપલક્ષે તા.18 શનિવારના સવારના રાયસી પ્રતિક્રમણ સવારે 9.15 થી 11.30 ત્રિરંગી સામાયિક સવારે 9.30 થી 10.45 પૂ.મહાસતીજીના શ્રીમુખેથી મહાન દિવ્ય આત્માના ગુણનું સ્મરણ થશે સવારે 10.45 થી 11.45 નવકાર મહામંત્રના જાપ બપોરના 12.15 કલાકે નિરારંભી નિવી આયંબીલ બપોરના 4 થી 5 ધર્મદાસ સંપ્રદાયના સાધ્વીરત્ના પૂ.કંચનકુંવરબાઇ મ.ના સુશિષ્યા સરળ અને સમતાધારી સાધ્વીરત્ના પૂ.રેવતીબાઇ મ.ના દીર્ઘાયુ અને ઝડપથી પુન: સ્વસ્થતા પ્રાપ્ત થાય તે માટે ભક્તામર અનુપૂર્વીના જાપ અને સાંજે પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવેલ છે. આયંબીલ તપની અનુમોદના તપસ્વી દંપતી હેમલતાબેન અને કુંદનભાઇ પતીરા તરફથી જ્યારે ત્રિરંગી સામાયિક બપોરના જાપ વિ.નો સંઘ પ્રમુખ ડોલરભાઇ કોઠારી લાભ લઇ રહ્યા છે.
તા.19 રવિવારના ગાદીના ગામ ગોંડલ મધ્યે પૂ.ડુંગરસિંહજી સ્વામી ગુરુ ગુણોત્સવ પ્રસંગ ઉપર તથા જેતપુર તપસ્વી આશ્રમ અને ખોડલધામ દર્શન જવા માટે મનહર પ્લોટ જૈન સંઘથી એ.સી.બસનું સવારના સુપ્રભાતે મંગલ પ્રસ્થાન જૈનશ્રેષ્ઠી દ્વારા થશે તેમ સંઘ પ્રમુખ ડોલરભાઇ કોઠારીની યાદી જણાવે છે.