પૂજય ડુંગરસિંહજી મ.સા.ની 198મી પુણ્યતિથિ તેઓએ તિન્નાણં - તારયાણં’ના સૂત્રને ચરિતાર્થ કરી જિનશાસનની આન, બાન, શાન વધારી, વિ.સં. 1877 ફાગણ સુદ તેરસના અનશન વ્રત ધારણ કરી અંતિમ મનોરથ હાંસલ કર્યોMay 17, 2019

  •  પૂજય ડુંગરસિંહજી મ.સા.ની 198મી પુણ્યતિથિ     તેઓએ તિન્નાણં - તારયાણં’ના સૂત્રને ચરિતાર્થ કરી જિનશાસનની આન, બાન, શાન વધારી, વિ.સં. 1877 ફાગણ સુદ તેરસના અનશન વ્રત ધારણ કરી અંતિમ મનોરથ હાંસલ કર્યો

જૈન દર્શનમાં સમ્યક્ જ્ઞાનની વાત હોય કે શ્રદ્ધાની,ચારિત્રની વાત હોય કે તપની દરેક બાબતોમાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ઉપકારી પૂ.સાધુ - સાધ્વીજીઓનું નામ સૌ ધર્મ પ્રેમીઓના મુખપર પ્રથમ આવે.સમગ્ર ભારતભરમાં કાલાવડ હોય કે કોલકત્તા,ગોંડલ હોય કે ગાંધીનગર,જેતપુર હોય કે જમશેદપુર દરેક ક્ષેત્રોમાં ગોંડલ સંપ્રદાયના પૂ.સાધુ - સાધ્વીજીઓ પગપાળા વિહાર કરી તિન્નાણં - તારયાણં, સ્વ - પરના કલ્યાણાર્થે જિનાજ્ઞા મુજબ વિચરતા - ધર્મ લાભ આપતા દ્રશ્યમાન થાય છે. ગોંડલ સંપ્રદાયના પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્ર્વરભાઈ દોશી,દિલીપભાઈ પારેખ ( ગોંડલ) તથા સુરેશભાઈ કામદાર (જુનાગઢ ) વગેરે અગ્રણીઓએ જણાવ્યું કે આજે ગોંડલ સંપ્રદાય વટ વૃક્ષ બન્યો છે.ગોં.સં.ના સાધુ - સાધ્વીજીઓ ગોંડલથી લઈને ગાંધીનગર અરે ! છેક વાઘા બોર્ડર સુધી જૈન ધર્મનો જય જયકાર કર્યો છે તેના બીજ જેઓએ રોપ્યા છે તે મહાપુરુષ એટલે પૂ.ડુંગરસિંહજી મ.સા.
આગામી વૈશાખ સુદ પૂનમના રોજ તેઓની 198 મી પૂણ્યતિથિ સમગ્ર દેશમાં તપ - ત્યાગ સાથે ઉજવાશે.તો ચાલો...આપણે પણ ઉપકારી પૂ.આચાર્ય ભગવંતના જીવનમાં ડોકીયું કરી પાવન બનીએ.
મનહર પ્લોટ સંઘ,રાજકોટના પ્રમુખ ડોલરભાઈ કોઠારી તથા જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે વિ.સં.1792 માં માંગરોળની પાવન ભૂમિ ઉપર સંસ્કાર સંપન્ના રત્નકુક્ષિણી માતા હીરબાઈ તથા ધર્મનિષ્ઠ પ્રેમાળ પિતા કમળસિંહભાઈ બદાણી પરિવારના ખાનદાન ખોરડે કોહીનૂર અને કમળ જેવા એક ભૂલકાનું અવતરણ થયું. માતાએ સ્વપ્નમાં લીલાછમ પર્વત સાથે કેસરી સિંહને નજદીક આવતા નિહાળેલ તેથી જન્મ થનાર બાલુડાનું નામ ડુંગરસિંહ રાખ્યું. ચાર - ચાર બહેન અને બે ભાઈઓ સહિતના વિશાળ પરિવારમા આ બાળકનો લાડકોડથી ઉછેર થયો. બદાણી પરિવાર એટલે પૂ.સાધુ - સંતોની સેવા - વૈયાવચ્ચ અને સદા ચતુર્વિધ સંઘની ખેવના કરનારો પરિવાર.નિત્ય જિનવાણીનું શ્રવણ કરનારો આ બદાણી પરિવાર.એક વખત પરિવાર સાથે યુવાન ડુંગરસિંહ પણ ગયાં. જિન શાસનના અણમોલ રત્ન સમાન પૂ.ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા. માનવ ભવની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે,સંસારમાં રહીને દૂર્લભ ભવને વેડફશો નહીં. વૈરાગ્ય સભર પ્રવચન સાંભળી આ યુવાનમાં ટર્નીંગ પોઈન્ટ આવ્યો, મનોમન નક્કી કર્યું કે બસ...હવે આ સંસારમાં રહેવું જ નથી.મિત્રો તેમજ પરિવારની સવિનય અનુજ્ઞા પ્રાપ્ત કરી વિ.સં.1815 કારતક વદ 10ના દિવબંદરની દિવ્ય ભૂમિ ઉપર પૂ.રત્નચંદ્રજી મ.સા. પાસે ભર યુવાન વયે સંયમ ધર્મનો સ્વીકાર કરી બીજો મનોરથ પૂર્ણ કર્યો.ડુંગરસિંહમાંથી નૂતન દીક્ષિત પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયા. પૂ.ડુંગરસિંહજી મ.સા.ના પગલે - પગલે તેઓના માતુશ્રી હીરબાઈ,બહેન વેલબાઈ,ભાણેજ હીરાચંદભાઈ,ભાણેજી માનકુંવરબહેને જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનમાં ડંકો વગાડી દિધો અને પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે તિન્નાણં - તારયાણં અર્થાત પોતે સંસાર સાગરમાંથી તર્યા અને અન્યોને પણ તાર્યા સૂત્રને તેઓશ્રીએ ચરિતાર્થ કર્યું.
પૂ.ડુંગરસિંહજી મ.સા.કહેતા કે સાધુ બન્યા પછી સાધના જ કરવાની હોય...
મનને શૂન્ય થવું એ મૌન અને જેનું મન શૂન્ય થાય તે મુનિ....
પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે સતત સાડા પાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કરી તત્વ જ્ઞાનનો ગહન અભ્યાસ કર્યો.તેઓ કહેતા કે સાધુ બન્યા પછી તપ અને સાધના જ કરવાની હોય. વિ.સં.1845 મહા સુદ પાંચમ ગોંડલ સ્ટેટ ખાતે ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયની સ્થાપના થઈ. આચાર્ય ભગવંત કહેતા કે જન્મ ભલે સૂતા - સૂતા થાય પરંતુ મૃત્યુ તો બેઠા - બેઠા સમાધિ ભાવમાં થવું જોઈએ. તેઓને પોતાનું મૃત્યુ નજદીક દેખાતા વિ.સં.1877 ફાગણ સુદ તેરસના સોનેરી સૂર્યોદયે અનશન વ્રત અંગીકાર કરી અંતિમ મનોરથને હાંસલ કર્યો. વૈશાખ સુદ પૂનમના ચત્તારી શરણં પ્રવજ્જામિના ભાવ સાથે સમાધિભાવમાં લીન થઈ પંડિત મરણને પ્રાપ્ત કરી દેવલોક તરફ પ્રયાણ કર્યુ. તેઓએ 84 વર્ષની ઉંમરમાં છ દાયકા ઉપરાંત સંયમ જીવનનું રૂડી રીતે પાલન કરી 32 વર્ષ આચાર્ય પદને દીપાવી ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયની ગરીમા અને ગૌરવ વધારી સ્વ - પરના કલ્યાણ સાથે જિન શાસનનું નામ ઉજ્જવલ કર્યું.
પુણ્યતિથિના પાવન અવસરે તેઓના આત્માને આપણા સૌના કોટી...કોટી વંદન.