સરધાર સ્વામિનારાયણ મંદિરમાં યુવા મહોત્સવનો પ્રારંભMay 17, 2019

  •  સરધાર સ્વામિનારાયણ મંદિરમાં યુવા મહોત્સવનો પ્રારંભ

રાજકોટ તા.17
યુવાનો ધાર્મિક સંસ્કારો ભુલીને સંવેદનાહિન બની રહ્યાં છે ત્યારે ભારતીય મુલ્યો, પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા સરધાર સ્વામીનારાયણ મંદિરના સંતોએ બાલ યુવા મહોત્સવનું આયોજન તા.17 મે થી 21 મે દરમિયાન કર્યુ છે.
પ.પૂ.સ્વામી સદ્દગુરૂ નિત્યસ્વરૂપદાસજીની નિશ્રામાં યોજાઇ રહેલી આ બાળયુવા શિબિરમાં 22000 થી વધુ બાળકો-યુવાઓ ભાગ લઇ રહ્યા છે. તેમને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવનાર છે. આ શિબિર અંગે વિગતો આપતા પત્રકારોને સરધાર ખાતે પૂ.સ્વામી નિત્યસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે અમે સંસ્કાર શિબિરનું આયોજન દર વર્ષે કરીએ છીએ તેમાં દેશ દુનિયાભરમાંથી યુવાઓ ભાગ લેવા આવે છે. બાળકોને તેમજ યુવાનોને તેમની પ્રતિભાને ખીલવવા મંચ પણ પુરો પાડવામાં આવે છે. ધાર્મિક સંસ્કાર પણ સાહજિકતાથી આપવામાં આવે છે. સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે, આજનો માનવી યાંત્રીકતા તરફ ધકેલાઇ રહ્યો છે. મોબાઇલના કુસંગે ચડી ગયો છે, ધુન-ભજનની સંસ્કૃતિ વિસરી રહ્યો છે ત્યારે આ શિબિરમાં આવતા બાળકોને અમે ધુન-ભજન અને કીર્તનની સંસ્કૃતિ સાથે સંસ્કાર ચિંતન કરીએ છીએ. પ્રેરણાદાયક નાટકો, નૃત્ય, કીર્તન સ્પર્ધા દ્વારા ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને ધર્મના સંસ્કાર આપવામાં આવે છે.
બાળયુવા મહોત્સવની વ્યવસ્થા અંગે વિગતો આપવા કોઠારી સ્વામી પૂ.પતિતપાવનજી અને અન્ય સંતોએ જણાવ્યું હતું કે, શિબિર માટે 12 વિશાળ ડોમ અને બે વિશાળ મંચની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વામીનારાયણ સંપ્રદાયની આગવી શીફત અને સંસ્કારના દર્શન શિબિર દરમિયાન થશે. બાળયુવા મહોત્સવમાં અમેરીકા, યુ.કે. અને ઓસ્ટ્રેલિયાથી લોકો આવી રહ્યાં છે. સભામંડપ માટે 13 બાય 450 નો જર્મન ડોમ બનાવાયો છે. કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મોહનભાઇ કુંડારીયા, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા અને રાજકોટ લોધીકા સંઘના ચેરમેન સહકારી આગેવાન નીતિનભાઇ ઢાંકેચા, જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા વગેરે ઉપસ્થિત રહેશે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની નિશ્રામાં સંસ્કાર ઘડતર થશે. બાળ-યુવાઓની સ્પર્ધાઓ ઉપરાંત જાણીતા લોક સાહિત્યકારોના કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. સ્વામીજીના આશીર્વાદથી અત્યારે સરધાર, મહુવા અને ભાવનગરમાં 1500 બાળકોને શિક્ષણ અને રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા આપવામાં આવે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ.પૂ.સ્વામી સદ્દગુરુ નિત્યસ્વરૂપદાસજીની નિશ્રામાં સંતગણ, હરિભક્તો, વિદ્યાર્થી સમુદાય વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.