ભારતનો વધુ એક જવાન (ના)પાક હનીટ્રેપમાં ફસાયોMay 17, 2019

નવીદિલ્હી તા,17
ભારતીય સેનાના જવાનને હનીટ્રેપમાં ફસાવી ગુપ્ત ઈન્ફોર્મેશન લીક કરાવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ઈન્ટેલિજન્સ બ્યુરો, મિલિટ્રી ઈન્ટેલિજન્સ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મધ્યપ્રદેશના મહુમાંથી એક જવાનની ધરપકડ કરવામાં આવી છે. સેનાનું કહેવું છે કે, આરોપી જવાન સેનાની જાણકારીઓને પાકિસ્તાન મોકલી રહ્યો હતો. હાલ સેના આરોપી જવાનની પુછતાછ કરી રહી છે.
ફેસબૂક દ્વારા મહિલાનું આઈડી બનાવી જવાનને ફસાવવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને મિલિટ્રી ઈન્ટેલિજન્સથી મળેલી જાણકારી બાદ મધ્યપ્રદેશ પોલીસની એટીએસ ટીમે જાસૂસીની શંકામાં જવાનની ધરપકડ કરી હતી.મૂળ બિહારનો જવાન મધ્યપ્રદેશના મહુમાં સેનાની એક યુનિટમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો. આ જવાનને પાકિસ્તાનીઓએ ફેસબૂક દ્વારા ફસાયો હતો. તે એક પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો હતો.
બાદમાં આ જવાન મહિલાની જાળમાં ફસાતો ગયો હતો. સુત્રો મુજબ, આ જવાન સેનાની લોકેશન, મુવમેન્ટ અને એક્સરસાઈઝને લગતી માહિતીઓ એકઠી કરી પાકિસ્તાન પહોંચાડતો હતો. તે ફેસબૂક અને વોટ્સએપના માધ્યમથી માહિતીને શેર કરતો હતો.
આરોપીની શંકાસ્પદ ગતિવિધિઓને જોતાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીએ આ મામલે તપા શરૂ કરી હતી. અને તેના પર ફિઝિકલ અને ઈલેક્ટ્રોનિક સર્વિલન્સ રાખવામાં આવ્યું હતું. તેની એક એક હરકત પર નજર રાખવામાં આવી રહી હતી. લગભગ એક મહિનાની વોચ બાદ તેના વિરુધ્ધ પુરાવા મળ્યા હતા. જે બાદ મધ્યપ્રદેશ એટીએસની ટીમે જવાનને પકડી લીધો હતો. હાલ તેના ઈલેક્ટ્રોનિક ડિવાઈસની તપાસ કરી તેની પુછપરછ શરૂ કરાઈ છે.