ચાલુ વાહને થૂંકતા 10 ઝડપાયા, 250નો ઇ-મેમોMay 17, 2019

  • ચાલુ વાહને થૂંકતા 10 ઝડપાયા, 250નો ઇ-મેમો

ક્ષ જાહેરનામું પ્રસિધ્ધ થતા ચકાસણીના ભાગરૂપે કાર્યવાહી શરૂ: હેલ્મેટ, ટ્રાફિક નિયમનો ભંગ તેમજ ક્યા વિસ્તારમાં સૌથી વધુ લોકો પિચકારી મારી રહ્યા છે તેનો 7 દિવસ થશે સર્વે
રાજકોટ તા.17
રાજકોટ શહેરમાં ચાલુ વાહને થુંકનાર અને કચરો ફેકનારને દંડ કરવાનું જાહેરનામું રાજકોટ મહાનગરપાલીકા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું. જે અંતર્ગત પ્રાથમીક કામગીરી માટે પ્રથમ સાત દિવસ કાર્યવાહીનો આજથી પ્રારંભ કરાતા પ્રથમ દિવસે જ 10 વાહનચાલકો થુંકતા ઝડપાઇ ગયા હતા અને તમામના ઘરે રૂા.250 નો દંડ ફટકારતો મેમો ઘરે પહોચતો કરવામાં આવ્યો હતો. આજથી સાત દિવસ ચકાસણીના ભાગરૂપે કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ તા.22 થી કડક અમલવારી શરૂ કરવામાં આવશે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં અમદાવાદ બાદ રાજકોટમાં ચાલુ વાહને થુંકવા ઉપર તેમજ વાહનમાંથી જાહેરમાં કચરો ફેંકતા આસામીઓને દંડ કરવાનો નિર્ણય મહાપાલીકા દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગઇકાલે તા.16 ના રોજ સતાવાર જાહેરનામુ મનપા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામુ પ્રસિધ્ધ થતા સાત દિવસ ચકાસણીની કાર્યવાહી કરવાની હોવાથી આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાલુ વાહને થુંકતા દસ આસામીઓ આઇ-વે પ્રોજેકટના કેમેરાની ઝપટે ચડી જતા તમામ આસામીઓના ઘરે રૂા.250 નો દંડનો મેમો પહોચાડવામાં આવ્યો હતો અને ઉપરોકત દંડની રકમ 10 દિવસમાં મનપાના સીવીક સેન્ટર અથવા ઓનલાઇન ભરી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીના જણાવ્યા મુજબ પ્રથમ કસુરવાર થયે રૂા.250 નો દંડ તેમજ બીજી વખત એ જ વાહનમાં ગુનો કરવામાં આવે ત્યારે રૂા.500 અને ત્યારબાદ રૂા.750 અને ચોથી વખત ગુનો થયેલ ઉપરોકત વાહનચાલકનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને આવતી તા.22થી નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.