નર્મદાની લાઈનમાં ભંગાણ, કાલે બે વોર્ડમાં મોડું પાણી વિતરણMay 17, 2019

  • નર્મદાની લાઈનમાં ભંગાણ, કાલે બે વોર્ડમાં મોડું પાણી વિતરણ

 બેડી ફિલ્ટર હેઠળના
વોર્ડ નં.4 અને 18માં ડિસ્ટર્બ, પાણીકાપ
નહીં આવે
 લાઈનમાંથી વોટરવર્કસ વિભાગ દ્વારા ફકત
આઠ ખકઉ પાણી ઉપાડાતું હતું
રાજકોટ તા,17
રાજકોટની ભાગોળે આવેલ બેડી ગામ પાસે નીકળતી નર્મદાની એનસી 12 બી પાઈપલાઈનમાં મોટુ ભંગાણ સર્જાતા રાજકોટવાસીઓને પાણી કાંપ આવવાનો ભય ઉભો થયો હતો ત્યારે જ મનપાના વોટર વર્કસ વિભાગના જણાવ્યા મુજબ લાઈન તુટવાના કારણે શહેરના ફકત બે વોર્ડમાં આવતીકાલે 12 કલાક મોડુ પાણી વિતરણ થશે પરંતુ પાણી કાંપ નહીં આવે તેમ જણાવતા નગરજનોને હાશકારો થયો છે.
રાજકોટ મોરબી રોડ ઉપર બેડી ગામ નજીક હડાળા પમ્પીંગ સ્ટેશન ખાતેથી આવતી નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં જોઈન્ટ તુટી જતાં પાણી લીકેજ થયું હતું જે મોટુ હોવાથી આજુબાજુના વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો. પરિણામે રાજકોટના અમુક વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેવો ભય ઉભો થયો હતો. ત્યારે જ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનિએ ગાંધીનગરથી પાણી પુરવઠા વોર્ડના અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ જણાવેલ કે ઉપરોકત લાઈનમાંથી કોઠારિયા વિસ્તારમાં ફકત 8 એમએલડી પાણી લેવામાં આવી રહ્યું છે. આથી પાણી વિતરણ વ્યવસ્થાને કોઈ અસર ઉભી નહીં થાય. નર્મદાની મુખ્ય લાઈન તુટ્યા બાદ મનપાના વોટર વર્કસ વિભાગને મ્યુનિસિપલ કમિશનરને પાણી વિતરણ વ્યવસ્થા જાળવવાનો આદેશ આપતા વોટર વર્કસ વિભાગે ગત રાત્રીના પાણીના લેવલ મુજબ સવારથી વોર્ડ નં.18 અને 4માં પાણી વિતરણ શરુ કરી દીધુ હતું જેના કારણે આજે ઉપરોકત વોર્ડમાં કોઈ જાતની પાણીની સમસ્યા ઉદ્ભવી નથી. જ્યારે આવતીકાલે વોર્ડ નં.18ના નારાયણનગર અને ખોડિયારપરા વિસ્તાર તેમજ બેડી ફિલ્ટર પ્લાન હેઠળના વોર્ડ નં.4ના સ્વાતીપાર્ક અને તીરુપતીનગર સહિતના વિસ્તારોમાં 12 કલાક મોડુ પાણી વિતરણ થશે. તેમ જણાવ્યું હતું. ભરઉનાળે નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ તેમજ મનપાના વોટર વર્કસ વિભાગના અધિકારીઓ અને મેયર સહિતના ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનિના જણાવ્યા મુજબ 7થી 8 કલાકમાં પાણી ઉતર્યા બાદ રિપેરિંગની કામગીરી પૂર્ણ થઈ જશે અને પાણીનો પ્રવાહ પૂર્વવત ચાલુ કરવામાં આવશે.
શહેરને પીવાનું પાણી પુરું પાડતાં સ્થાનિક જળાશયોમાં પુરતું પાણી હોવા છતાં ટેકનિકલ કારણોસર મનપા દ્વારા વારંવાર પાણી કાપ લાદવામાં આવી રહ્યો છે. જેના કારણે લોકોમાં લાઇન તૂટવા જેવી ઘટનાઓ બનતા સતત પાણી કાપ આવશે તેવો ભય ઝળુંબતો હોય છે જેવો આજે પણ લાઇન તૂટવાના કારણે લોકોમાં ભય ઉભો થયો હતો. જરૂર પડ્યે ટેન્કરો દોડાવાશે : પાની
આજરોજ નર્મદાની લાઈનમાં ભંગાણ થતાં રાજકોટના વોર્ડ નં.18 અને 4માં પાણી વિતરણ વ્યવસ્થાની અસર થઈ છે અને આવતીકાલે 12 કલાક મોડુ પાણી વિતરણ થવાની જાહેરાત વોટર વર્કસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ કે આ બન્ને વોર્ડમાં લોકોને તરસ્યા નહીં રખાય જરૂરત પડ્યે તમામ વિસ્તારમાં અન્ય વોટર વર્કસમાંથી પાણી ભરી ટેન્કર દ્વારા સપ્લાય કરવામાં આવશે. આમ વોર્ડ નં.4 અને 18માં મોડુ પાણી વિતરણ થવાની સાથોસાથ અમુક વિસ્તારોમાં ટેન્કર દ્વારા સમયસર પાણી વિતરણ કરવામાં આવશે.