રવિવારે સાધના અને સ્વાસ્થય વિશે કાર્યક્રમ અને પુસ્તક વિમોચનMay 17, 2019

  • રવિવારે સાધના અને સ્વાસ્થય વિશે કાર્યક્રમ અને પુસ્તક વિમોચન

રાજકોટ તા. 17
સાધના અને સ્વાસ્થ્ય એ એક - બીજાના પુરક છે. સાંપ્રત સમયમાં માનવ સમાજને સ્વાસ્થ્ય મેળવવા અને જાળવી રાખવા અલગ - અલગ સંસ્થાઓ જુદી - જુદી પધ્ધતિ દ્વારા સાધના કરાવે છે. તા. 19/05/2019ને રવિવારે રાત્રે 08:30 થી 11:30 દરમિયાન હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે ‘સાધના અને સ્વાસ્થ્ય - એક સિક્કાની બે બાજુ’ કાર્યક્રમ તેમજ ‘શરીર - મન અને આત્માને ઉજાગર કરતી વિવિધ સાધના પધ્ધતિઓ’ પુસ્તક વિમોચન ના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું કે, કાર્યક્રમ અને પુસ્તક પ્રકાશન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાર્ય કરતી સંસ્થા મિશન જાગૃતમ વિવિધ સાધના પધ્ધતિઓનું એકત્રિકરણ કરી, તેની માહિતી એક કાર્યક્રમની સાથે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવા જઇ રહી છે. આ સંસ્થા અત્યાર સુધીમાં વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિઓ, બાળ સંભાળ, આયુર્વેદ, ભારતીય ગાય અને પ્રાકૃતિક ચિકિત્સા પધ્ધતિના વિષય પર સફળતા પૂર્વક કાર્ય કરી ચુકી છે. કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમનાં અધ્યક્ષ પૂજય નિખિલેશ્ર્વરાનંદજી આશિર્વચન આપી પુસ્તક વિમોચન કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્રના પ્રાંત કાર્યવાહ કિશોરભાઇ મુંગલપરા ખાસ ઉપસ્થિત રહેશે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ અને સુપ્રિટેન્ડન્ટ તેમજ જાણીતા વકતા અને વૈદ્ય હિતેશભાઇ જાની સાધના અને સ્વાસ્થ્યનો સંબંધ સમજાવશે. આ કાર્યક્રમમાં વિવિધ સાધના પધ્ધતિના રાજકોટના સંચાલકો/ આચાર્યોનું તેમની સેવા/ પ્રવૃતિ બદલ સન્માન કરવામાં આવશે.
મિશન જાગૃતમના ફાઉન્ડર ડાયરેકટર અને સુજોક એકયુપંકચરના નિષ્ણાંત તપન પંડયા દ્વારા રાજકોટની સ્વાસ્થ્ય પ્રેમી જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવામાં આવે છે. વધુ વિગત માટે સંસ્થાનો તેના મોબાઇલ નં. (98798 41048) ઉપર સંપર્ક કરી શકાશે.