કાલથી બે દિવસીય મણિભટ્ટ બિઝનેસ બાઝાર-2May 17, 2019

  •  કાલથી બે દિવસીય મણિભટ્ટ બિઝનેસ બાઝાર-2

રાજકોટ તા,17
મંદીના માહોલની બુમરાણ વચ્ચે કેવી રીતે ઓછા નફે વધુ વેચાણ કરીને આર્થિક વિકાસ સાધી શકાય તેના ઉદાહરણરૂપે યોજાયેલા પ્રથમ બિઝનેસ બાઝારની સફળતાના પરિણામે અને સાધર્મિક ભાઇઓની લાગણીને માન આપીને આગામી તા.18 અને 19 મે શનિ અને રવિવારના રોજ બે દિવસીય મણીભદ્ર બીઝનેસ બાઝાર-2નું આયોજન ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, બાલભવન પાસે, રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન શનિવારે સવારે 11 કલાકે મેયર બીનાબેન આચાર્યના હસ્તે થશે. તેમની સાથે અતિથિવિશેષ પદે, પૂર્વ મેયર ડો.દર્શિતાબેન શાહ અને યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી મેહુલભાઇ રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.
બીઝનેસમેન નાનો હોય કે મોટો નોકરીયાત નાનો હોય કે મોટો બધાની મંઝીલ સ્પષ્ટ છે. પ્રશ્ર્ન માર્ગ બાબતે છે. જયાં સુધી માર્ગની સ્પષ્ટ સમજણ નહી હોય. ત્યાં સુધી મંઝીલ મળે તેવી કોઇ શક્યતા નથી. તો જીંદગીમાં સફળતા માટે સફળતાનો પૂર્ણ ખાતરીદાયક માર્ગ કયો છે એ વિશે એક્ઝીબીશનના બીજા દિવસે રવિવારે નવ થી સાડ દસ સુધી આ જ સ્થળે પ.પૂ.આ.ભ. યશોવિજયસૂરીજી મ.સા. અને અ.ભ. મુક્તિવલ્લભસૂરીજી મ.સા. દ્વારા પાથ ઓફ સક્સેસ સફળતાનો માર્ગ વિષય પર દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. ત્યારબાદ માંગલિક ફરમાવીને વેપારીઓને આશીર્વાદ આપવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતભરના જાણીતા અગ્રણી વેપારી રાજુભાઇ કેસ્ટ્રોલ પણ ઉપસ્થિત રહી વેપારીઓને પ્રોત્સાહીત કરશે. કાર્યક્રમનું સંચાલન જૈન સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળા કરશે.
આ પહેલા પણ જૈન બિઝનેસમેન એન્ડ વુમનના બિઝનેસ નેટવર્કીંગ અને વેપાર-વૃધ્ધિ દ્વારા આર્થિક વિકાસના અનોખા અભિગમ સાથે મણીભદ્ર બિઝનેસ બાજાર એક્ઝીબીશન કમ સેલ યોજાયો હતો. સાધર્મિકો દ્વારા વ્યાજબી દરે વધુમાં વધુ વેચાણ કરી અને ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સમન્વય સાધવાના આ પ્રયત્ન પ્રસંગે પરમ પૂજય આચાર્ય શ્રી યશોવિજયજી મહારાજ દ્વારા પામરથી પરમ સુધી વિષય પર વેપારીઓને પોતાની કુનેહ વડે કેવી રીતે તળેટીથી શિખર સુધી પહોંચી શકાય તેની ચાવી સમજાવતું વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે પાંચ સોનેરી સુત્રો આપતા સમજાવ્યું હતું કે કયારેય પણ માલમાં ભેળસેળ કરવી નહી. કયારેય પણ તોલમાપમાં ઘાલમેલ કરવી નહી. સરકારને ટેક્ષ પુરેપુરો ચૂકવવો. વ્યાપારમાં જે કોઇ નફો થાય તે પોતાની આવડતના કારણે નહીં પરંતુ પરમાત્માની કૃપાના કારણે છે તેમ માનવું અને જે કોઇ નફો થાય તેમાંથી દસ ટકા રકમ પરમાત્માને ગમે તેવા કાર્યોમાં વાપરવી.
મનીષ પારેખ અને ગૌરવ દોશી દ્વારા આયોજીત આ બાઝાર પ્રદર્શન કમ સેલનો લાભ જાહેર જનતા કોઇ પણ જાતની પ્રવેશ ફી ચુકવ્યા વિના લઇ શકશે અને એક જ સ્થળેથી લેડીઝ/જેન્ટ્સ ગાર્મેન્ટ્સ, ચિલ્ડ્રનવેર, ફૂડ પ્રોડક્ટ્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, જવેલરી, સ્ટેશનરી, ધાર્મિક પુસ્તકો, હોબી કલાસીસ, સ્કૂલ-કોલેજ, ઓર્ગેનિક, હોમમેડ પ્રોડક્ટ્સ, ગીફ્ટ આર્ટીકલ્સ વિવિધ સર્વિસીઝ વગેરે ખુબ જ વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવતા સાથે મેળવી શકશે. વિશેષ આકર્ષણરૂપે મહેંદી, ટેટુ, નેલ આર્ટ, અવનવી ગેમ્સ પણ રાખવામાં આવ્યા છે. આ એક્ઝીબીશન ને સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ સંસ્થાઓ દ્વારા ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. સ્ટોલ બુકીંગ તથા વધુ માહિતી માટે મનીષ પારેખ 99740 90709 અને ગૌરવ દોશી 88200 99999 પર સંપર્ક કરવા ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવેલા મનીષભાઇ પારેખ, ગૌરવભાઇ દોશી, નિતીનભાઇ મહેતા, હિમાંશુભાઇ મહેતા, પરેશભાઇ નેમીબેન દોશી, ભુમીકાબેન શાહે જણાવ્યુ છે.