સોરઠ પંથકમાં ત્રણ પરિણીતાઓની સાસરીયા વિરુધ્ધ ત્રાસ અંગે ફરિયાદMay 17, 2019

જૂનાગઢ તા,17
સોરઠ પંથકની પરિણીતાઓ ઉપર અમુક માથા ફરેલા પતિદેવો અને તેના સાસરીયાઓ દ્વારા કરીયાવર, ઘરકામ અને પરણીતાઓ ગમતી ન હોવાના કારણે દુ:ખ ત્રાસ અપાતો હોવાની બાબતો દિવસને દિવસે વધવા પામી છે. પોલીસ આવા લાલચુ અને માથા ફરેલા સાસરીયાઓ સામે કાર્યવાહી કરી રહી છે. ત્યારે હવે સમાજે જાગવાનો અને સમાજના આગેવાનોએ આગળ આવી કોઇ કોડભરી દીકરીઓના સંસાર પડી ન ભાંગે અને કુટુબ સચવાઈ રહે તે માટે જન જાગૃતિ સહિતના કાર્યક્રમો કરી એક સારા સમાજ સેવા માટે કંઇક કરવું પડશે તેવું પ્રબુધ્ધ લોકોમા સંભળાઈ રહ્યું છે.
માળીયા હાટીનાના અકાળા ગીર ગામે રહેતા હરેશ રણધીરભાઇ પરમાર તથા તેના માતા-પિતા, બે નણંદ દ્વારા તેની ગૃહલક્ષ્મી રસીલાબેનનો સ્ત્રીધનનો રૂા.3.50 લાખનો કરીયાવર કબજામાં રાખી, પરણીતા રસીલાબેનને ઘરમાંથી કાઢી મુકી વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી સ્ત્રીધન ઓળવી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
જયારે મુળ માણાવદરના નાકરા ગામના અને હાલમા રાજકોટના શાપર ગામે રહેતા જગદીશ ખીમાભાઇ દાફડાએ તેનીપત્ની અલ્પાબેનને લગ્નના એક વર્ષ બાદ તું ગમતી નથી તેમ કહી મુંઢ માર મારી ઘરેથી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં રાવ થઇ હતી. આવી જ રીતે માંગરોળના શંખપુર ગામની પરિણીતા તસ્લીમાબેનને તેના પતિ ઈકબાલ મુસાભાઇ ખેભર તથા તેની સાસુ, સસરાએ નજીવી બાબતે માથાકુટ કરી કરીયાવર બાબતે મેણા ટોણા મારી અવાર નવાર મુંઢ માર મારી ટ્રેક્ટર નીચે પીસી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.