થઇ જાવ તૈયાર: જૂનથી રાજ્યમાં મોટાપાયે ‘ભરતી અભિયાન’May 17, 2019

  • થઇ જાવ તૈયાર: જૂનથી રાજ્યમાં મોટાપાયે ‘ભરતી અભિયાન’

રાજકોટ તા.17
આવતા સપ્તાહે 23મી મેના રોજ લોકસભા ચૂંટણીના પરીણામો જાહેર થયા બાદ ગુજરાતમાં ભાજપની સરકાર સામે બેરોજગાર યુવાનોને નોકરી આપવાનો સૌથી મોટો પડકાર સર્જાશે.
એ અંદાજે વિધાનસભામાં જૂન-જૂલાઈમાં નવુ સુધારેલુ અંદાજપત્ર પ્રસ્તૃત કરતા પહેલા સરકારના નાણા વિભાગે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ રાજ્ય સરકારના તમામ વિભાગો પાસેથી બોર્ડ- નિગમોમાં આઉટસોર્સથી મહેકમની અદ્યતન વિગતો સાથી પોર્ટલ ઉપર અપલોડ કરવા આદેશ કર્યો છે.
સાથી પોર્ટલ એ ગુજરાત સરકારના કર્મચારીઓની વિગતોનું સંચાલન કરતી આંતરીક વ્યવસ્થા માટેની વેબસાઈટ છે. જેમાં મંજૂર મહેકમમાં આઉટસોર્સથી સેવા આપી રહેલા કર્મચારીઓ પૈકી કેટલા 11 મહિના કરાર આધારિત છે ?, આઉટર્સોસિંગ કંપનીને કેટલુ પેમેન્ટ ચૂકવવામા આવી રહ્યુ છે?
અને તે ઉપરાંત મંજૂર મહેકમમાં કેટલી જગ્યા ભરાયેલી છે અને ખાલી છે તેની વિગતો અપલોડ દરેક જાહેર સહાસોના મુખ્ય વહિવટી અધિકારીઓને ફરમાન છુટયુ છે. આથી, આવનારા સમયમાં ગુજરાત સરકાર વિભાગો ઉપરાંત, જાહેર સહાસોમાં પણ મોટાપાયે ભરતી અભિયાન ઉપાડે તેમ કહેવાય છે.
ઉદ્યોગોને આકર્ષવા યોજાતી વાઈબ્રન્ટ સમિટની ઝાકમઝોળ વચ્ચે ગુજરાતમાં કૃષિક્ષેત્રમાં જ સૌથી વધુ રોજગારીનું સર્જન થઈ રહ્યુ છે. રાજ્યમાં 50 લાખથી વધારે ખેડૂતો નોંધાયેલા છે. તેમને ત્યાં ખેત મજૂરી કરનારા નાગરીકોની સંખ્યા 29,09,411 જેટલી થવા જાય છે. તેમ શ્રણ અને રોજગાર વિભાગના રિપોર્ટમાં કહેવાયુ છે.
ગુજરાત સરકારનું સંચાલન કરતી ભાજપના રાજકિય નેતાઓ જાહેર મંચો ઉપરથી ભલે લાખો યુવાનોને સરકારી નોકરી આપ્યાનો દાવો કરતા હોય પરંતુ હકિકતમાં 30 સપ્ટેમ્બર 2018ની સ્થિતિએ વિતેલા પાંચ વર્ષમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર 57,920ને જ સરકારી નોકરી મળી છે ! તેવો સ્વિકાર બીજુ કોઈ નહી પણ સરકારમાં શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સંભાળતા મંત્રી દિલિપ ઠાકોરે કર્યો છે.
જો કે, તેમણે આ પાંચ વર્ષમાં પ્રાઈવેટ સેક્ટરમાં 16,94,970 યુવકોને સરકારે નોકરી અપાવ્યાનો દાવો પણ કર્યો છે ! પ્રાઈવેટ સેક્ટરમાં સરકારે અપાવેલી નોકરીનું સાતત્યપણું કેટલુ રહ્યુ તે અંગે વિભાગ પાસે કોઈ અભ્યાસ નથી. 16,94,970માંથી અધિકાંશ યુવકો એપ્રેન્ટીસ કે અસ્થાયી નોકરી માટે નિયુક્ત થયા હતા.