ભાજપનો અંજામ અટલજીની 13 દી’ની સરકાર જેવો થશે: પવારMay 17, 2019

  • ભાજપનો અંજામ અટલજીની 13 દી’ની સરકાર જેવો થશે: પવાર

નવીદિલ્હી, તા.17
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાજકીય પક્ષો તરફથી સરકાર બનાવવા વિશે વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. એક તરફ એનડીએ ફરીથી સત્તામાં કમબેકના દાવા કરી રહ્યુ છે તો બીજી તરફ વિપક્ષનો દાવો છે કે ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે. આ દરમિયાન એનસીપી પ્રમખ શરદ પવારે સરકાર બનાવવાના એનડીએના દાવા પર મોટુ નિવેદન આપ્યુ છે.
શરદ પવારે કહ્યુ કે 23મેના રોજ ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપે જો સરકાર બનાવવાની કોશિશ કરી તો તેના હાલ 13 દિવસોની અટલ બિહારી વાજપેયી સરકારની જેમ થશે. શરદ પવારે કહ્યુ કે તેમને નથી લાગતુ કે સરકાર બનાવવાનું નિમંત્રણ મળશે તો એનડીએ બહુમત સાબિત કરી શકશે. આ વાત તેમણે એક મરાઠી ટીવી ચેનલ સાથે વાત કરતા કહી.
તેમણે કહ્યુ કે વિપક્ષી દળોના નેતા મતગણતરીથી એક કે બે દિવસ પહેલા દિલ્લી પહોંચશે અને કેન્દ્રમાં એક સ્થિર સરકાર બનાવવા પર ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે 1996ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી હતી. 16મે 1996ના રોજ અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી રૂપે શપથ લીધા પરંતુ માત્ર 13 દિવસ બાદ જ તેમને રાજીનામુ આપવુ પડ્યુ હતુ જ્યારે તે સંસદમાં બહુમત સાબિત ન કરી શક્યા.
પવારે કહ્યુ કે જો રાષ્ટ્રપતિ સરકાર બનાવવા માટે તેમને આમંત્રિત કરશે તો આ વખતે ભાજપ લોકસભામાં બહુમત સાબિત નહિ કરી શકે. પવારે કહ્યુ, પરાષ્ટ્રપતિ તેમને બહુમત સાબિત કરવા માટે 10 દિવસ, 15 દિવસ કે પછી ત્રણ અઠવાડિયાનો સમય આપશે. પરંતુ મને નથી લાગતુ કે ભાજપ બહુમત સાબિત કરી શકશે. જેવી રીતે અટલ બિહારી વાજપેયી 13 દિવસો માટે પીએમ બન્યા હતા તેમ જ હવે પણ 13 દિવસ કે 15 દિવસ વાળી સરકાર જોવા મળી શકે છે. પવારે કહ્યુ કે વિપક્ષી દળોએ આ ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદ માટે કોઈ ચહેરો પ્રોજેક્ટ નથી કર્યો અને અલગ અલગ ચૂંટણી લડી જેવુ 2004માં કર્યુ હતુ.