પ.બંગાળમાં મોડી રાત્રે ફરી હિંસાMay 17, 2019

કોલકાતા તા,17
પશ્વિમ બંગાળમાં સતત હિંસા ચાલુ છે. નગરબાઝ વિસ્તારમાં ગુરુવારે રાતે દમદમથી ભાજપના ઉમેદવાર સમિક ભટ્ટાચાર્ય અને પાર્ટી નેતા મુકુલ રોયની ગાડી પર અજાણ્યા લોકોએ હુમલો કરી દીધો છે. જે સમયે આ ઘટના બની ત્યારે સમિક અને મુકુલ ગાડીમાં હાજર ન હતા. આ પહેલાં ગુરુવારે રાતે 10 કલાકે અહીં સાતમા તબક્કા માટે થનારી ચૂંટણીનો પ્રચાર બંધ થઈ ચુક્યો છે.
ગત સપ્તાહે પણ પૂર્વ મિદનાપુરમાં પશ્વિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ અને આસામના મંત્રી હેમંત બિસ્વ સરમાની ગાડી પર કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. બંગાળમાં અત્યાર સુધી થયેલા 6 તબક્કાઓમાં ચૂંટણીમાં હિંસા થઈ છે.
મંગળવારે કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા ભડકી હતી. આ દરમિયાન પથ્થરમારો અને આગચંપી પણ થઈ હતી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ પણ તોડવામાં આવી હતી. બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં શાહે કહ્યું કે, અમે શાંતિથી રોડ શો કરી રહ્યા છે, પરંતુ તેમ છતા ત્રણ હુમલાઓ કરવામાં આવ્યા હતા. જો સીઆરપીએફ ન હોત તો મારું બચવું મુશ્કેલ હતું. ત્યારબાદ તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, શાહ બંગાળમાં બહારથી ગુંડાઓ લાવ્યા હતા. વિદ્યાર્થીઓએ શાહના પોસ્ટર ફાડ્યા અને કાળા ઝંડાઓ ફરકાવ્યા હતા. જે લોકતાંત્રિક વિરોધ હતો. ભાજપવાળા લોકોએ પત્થર ફેંક્યા હતા.
મમતા બેનર્જીએ મંગળવારે મોડી રાતે પદયાત્રા કરી અને કહ્યું કે, બંગાળમાં એજ પ્રકારે હિંસા થઈ છે, જે પ્રકારે અયોધ્યામાં વિવાદીત ઢાંચાને તોડી પાડતા સમયે થઈ હતી. ચૂંટણી પંચે બંગાળમાં ચૂંટણી પ્રચારના એક દિવસ પહેલા જ પ્રચાર બંધ કરવાનો આદેશ કર્યો હતો. 16 મેની રાતે 10 કલાકે બંગાળમાં પ્રચાર ખતમ થઈ ચુક્યો છે.