કાલથી ત્રણ દિ’ ફરી તાપમાન 42 ડીગ્રીએ પહોચશેMay 17, 2019

  •  કાલથી ત્રણ દિ’ ફરી તાપમાન 42 ડીગ્રીએ પહોચશે

રાજકોટ તા.17
સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ હવામાન પલ્ટાથી ધાબળીયા વાતાવરણ બાદ આજથી આકાશ સ્વચ્છ થતા આવતીકાલથી તાપમાનનો પારો ફરી 42 ડીગ્રીએ પહોચવાની આગાહી કરવામાં આવી છે. જો કે છુટાછવાયા સ્થળોએ લોકલ ફીનોમીનાના કારણે વરસાદ પડવાની પણ શકયતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની ગતિવિધિ શરૂ થઇ હોય તેમ છુટાછવાયા સ્થળોએ હવામાન પલ્ટો થતા વરસાદ પડયો હતો. ગઇકાલે પણ ચોટીલા-સાયલા પંથકમાં વીજળી સાથે વરસાદ પડયો હતો.
દરમિયાન પોરબંદર, રાજકોટ, કંડલા, નલિયા સહિતના સ્થળોએ 30 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો. આજે વહેલી સવારે પણ પોરબંદર, રાજકોટમાં 73 ટકા, વેરાવળમાં 82, દ્વારકામાં 86 ટકા, ઓખામાં 79 ટકા, કંડલામાં 78, મહુવામાં 75 ટકા, ભુજમાં 76 ટકા અને દીવમાં 81 ટકા ભેજ નોંધાયો હતો.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ક્રમશ: ઘટાડો થયો છે. ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલ સાઈક્લોનિક સર્કયુલેશનને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટમાં ગઇકાલે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો, અને વાદળછાયું વાતાવરણ છવાયું હતું. હવામાનમાં પલટાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે. જેને પગલે ગરમીથી આંશિક રાહત મળી છે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, 20 કિમીની ઝડપે પવન ફૂંકાતા રાહત અનુભવાઈ હતી.
બીજી તરફ સાઈક્લોનિકલ સર્કયુલેશનને કારણે હવામાં ભેજવાળું વાતાવરણ થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન ગરમીમાં ક્રમશ: ઘટાડો થશે. ત્યાર બાદ મહત્તમ તાપમાનનો પારો 42-43 ડિગ્રીએ પહોંચશે.
બાકીના તમામ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની નીચે નોંધાયું હતું. સ્કાયમેટની આગાહી પ્રમાણે કેરળમાં 4 જૂનથી ચોમાસુ બેસી જશે, જ્યારે ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે કેરળમાં 6 જૂને વરસાદ આવશે. જો ગરમી વધુ પડે તો ચોમાસામાં સારો વરસાદ આવશે. તેવો અનુમાન કરવામાં આવે છે.