કલ્યાણપુરના રાવલ ગામ પાસે ટ્રેક્ટર પલટી જતા યુવાનનું મોતMay 17, 2019

જામખંભાળિયા તા,17
કલ્યાણપુર તાલુકાના રાવલ-હનુમાનધાર ખાતે રહેતા કારુભાઇ મુરુભાઇ સોલંકી (ઉ.વ.37) તેમના 14 વર્ષીય પુત્ર સંજયને ટ્રેક્ટરમા સાથે લઇને વાડીએ જતા હતા ત્યારે ટ્રેક્ટર આડે ખુંટીયો ઉતરતા ચાલક કારુભાઇ સોલંકીએ ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને આ ટ્રેક્ટર રોડ નીચેના પુલીયામાં ખાબક્યું હતું.
આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા સંજયને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જયા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પિતા અને ટ્રેક્ટર ચાલક કારુભાઇ સોલંકી સામે આઈ.પી.સી. કલમ 304(અ), 279 તથા એમ.વી. ેએક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
મારામારી
ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા વિનોદભાઇ ખીમાભાઇ મકવાણા (ઉ.વ.32) એ આ જ ગામના રવજીભાઇ કારાભાઇ નકુમ, મુકેશ સામા મકવાણા, સંજય સામા મકવાણા ગામે વિજય સામા મકવાણા સામે બિભત્સ ગાળો કાઢી, લોખંડની પટ્ટી અને લાકડી વડે માર માર્યાની તથા તેમના બંને ભાઇઓને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવી છે.
સામા પક્ષે રવજીભાઇ કારાભાઇ નકુમે દીલીપ ખીમા મકવાણા, વિનોદ ખીમા અને નરેશ ખીમા નામના ત્રણ ભાઇઓ સામે લાકડી તથા ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાવી છે.
મોટર સાયકલ સાઈડમાં રાખવા બાબતે થયેલી બોલાચાલી બાદ આ ડખ્ખો સર્જાયાનું પોલીસ ફરીયાદમા જાહેર થયું છે. પોલીસે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ. ભદ્રેશભાઇ ચાવડાએ હાથ ધરી છે.