પુરવઠાના તમામ ડેપો પર હવે ‘તિસરી આંખ’ની બાજ નજરMay 17, 2019

  •  પુરવઠાના તમામ ડેપો પર હવે ‘તિસરી આંખ’ની બાજ નજર

રાજકોટ તા,17
પુરવઠા નિગમના રાજ્યભરના ગોડાઉનો ઉપર કુલ 3 હજાર જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેના કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી કૃષિ પેદાશોની ખરીદી થાય છે તેની ઉપર સીધી નજર રહેશે તેમ રાજ્ય નાગરિક પુરવઠા નિગમના એમડી મનીષ ભારદ્વાજે જણાવ્યું છે.
સરકાર દ્વારા હવે ખેડૂતો પાસેથી કૃષિ પેદાશની ખરીદી અબજો રૂપિયા ખર્ચીને કરાય છે અને લગભગ નિયમિત રીતે પ્રક્રિયા થઇ ગઇ છે ત્યારે એપીએમસીની ખરીદીથી લઇ પુરવઠાના ગોડાઉન ઉપર આ ત્રીજી આંખની નજર રહેશે. એમડી ભારદ્વાજે જણાવ્યું હતું કે, રાજ્યમાં 500થી વધુ ડેપો પુરવઠા નિગમના આવેલા છે. તેમાં એક ગોડાઉન ઉપર સરેરાશ છ કેમેરાની જરૂર પડે તે હિસાબે 3 હજાર સીસીટીવી કેમેરાની જરૂર પડશે. આ માટે છેલ્લા બે વર્ષથી પ્રયાસ ચાલુ હતો અને હવે નિગમ દ્વારા એવી માગણી કરાઇ છે કે બજેટમાં તેનો નવી બાબત તરીકે સમાવેશ કરવામાં આવે. બુધવારે નિગમના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠક પણ યોજાવાની છે.
જિલ્લા સ્તરે પુરવઠા અધિકારી કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરા થકી 24 કલાક ચાંપતી નજર રાખી શકશે અને ગાંધીનગર ખાતે નિગમની કચેરીમાં પણ કંટ્રોલ રૂમથી મોનિટરીંગ કરાશે. સીસીટીવીમાં થયેલું રેકોર્ડિંગ એક મહિના સુધી રહી શકશે.
જેના કારણે કોઇપણ પ્રકારનો પ્રશ્ન ઉદ્દભવશે તો તુરંત તે બાબતની ચકાસણી થઇ શકશે. અગાઉ બે જિલ્લામાં સરકારે પાઇલોટ પ્રોજેક્ટ માટે છ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.