લીંબડીમાં 14 ગાયોની કતલ કરી ગૌમાંસ ભરી કસાઇ ગેન્ગ ફરારMay 17, 2019

વઢવાણ તા. 17
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામે મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ગાયોની ચોરીનો બનાવ બન્યો હતો. પરંતુ ગ્રામજનો અને માલધારી સમાજના યુવકો રોયલ ઠાકોર સેનાના યુવાનો અને જીવદયાપ્રેમીઓએ અજાણ્યા શખ્સોનો પીછો કરતાં ગાયોને કાપી કેનાલ પાસે ફેંકી કાર છોડી નાસી છુટયાં હતાં. જે અંગે સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ અંગે જાંબુ ગામનાં કરશનભાઈ તેજાભાઈ ચાવડાએ પાણશીણા પોલીસ મથકે 10 જેટલાં શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના જાંબુ ગામે ફરિયાદી કરશનભાઈ ચાવડા તથા સાહેદોની ગાય નંગ-13 તથા 1-આખલો મળી કુલ 14 પશુઓની આરોપીઓ ફારૂકભાઈ સલીમભાઈ મુસેવાળા તથા મુન્નો ઉર્ફે મહેમુદભાઈ સલમાનભાઈ મીણાપરા રહે.લક્ષ્મીસરવાળા તથા બે કારમાં આવેલ અંદાજે 7 થી વધુ શખ્સો દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચી ચોરી કરી નાસી છુટયાં હતાં.
જે અંગે ગ્રામજનો સહિત જીવદયાપ્રેમીઓએ પીછો કરતાં કેનાલના સાયફન પાસે ગાયોની કતલ કરી ગૌમાસ ભરી સ્થળ પર ગાયોના શીંગડા તથા પગ સહિતના અવશેષો નાંખી એક કાર છોડીને નાસી છુટયાં હતાં જે અંગે જીવદયા પ્રેમીઓ સહિત પશુપાલકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને ગાયોના અવશેષોને પાણીની કેનાલમાં નાંખી દુષીત કર્યું હતું. આમ કુલ 14 પશુઓ કિંમત રૂા. 5.25 લાખની ચોરી કરી નાસી છુટયાં હતાં. જે અંગે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.