બાળકોની કુર્રમ કુર્રમ યોજનામાં પણ ‘કટકી’ કરવા NGOને પરવાના !May 17, 2019

રાજકોટ તા.17
રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજનામાં સમગ્ર રાજ્યમાં એકસુત્રતા જળવાય રહે તે માટે એનજીઓને મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોનું સંચાલન સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 36000 કેન્દ્રોમાંથી આશરે 5000 કેન્દ્રોનું સંચાલન એનજીઓને આપી દેવામાં આવ્યું હોવાનું માહિતી પ્રકાશમાં આવી રહી છે. મ.ભ.યો. કેન્દ્રના સંચાલકોએ એવો ચોકાવનારો આક્ષેપ કર્યો હતો કે 1150 કરોડની યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર કરવા માટે સંસ્થાઓને પરવાના આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત તા.10/5 ના રોજ સૌરાષ્ટ્રના ચાર તાલુકામાં મ.ભ.યોજનાના કેન્દ્રનું સંચાલન બેંગ્લોરની અક્ષયપાત્ર સંસ્થાને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની તાત્કાલીક અમલવારી શરૂ કરી દેવા જીલ્લા કલેકટરને આદેશ આપવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરીપત્રમાં કચ્છ ગ્રામ્ય અને ભૂજ તાલુકાના 193 કેન્દ્ર, જામનગર ગ્રામ્ય અને લાલપુર તાલુકાના 93 કેન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચારેય તાલુકામાં હવે આગામી મહિનાથી અક્ષયપાત્ર સંસ્થા દ્વારા બાળકોને ભોજન પીરસવામાં આવનાર છે.
મ.ભ.યો કેન્દ્રના સંચાલકોએ એવો ચોકાવનારો આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં 35 લાખ બાળકોને રાજ્ય સરકાર દ્વારા મ.ભ.યો. થકી પોષ્ટીક નાસ્તો અને ભોજન આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 8000 જેટલા કેન્દ્રમાં આશરે 6 થી 7 લાખ બાળકો દૈનિક ભોજન લઇ રહ્યા છે. અત્યાર સુધી સીધા જ રાજ્ય સરકારના મોનીટરીંગમાં જ બાળકોને પોષ્ટીક આહાર અને ભોજન આપવામાં આવતું હતું.
તેલ, દાળ, મરીમસાલા સહિત ખાદ્ય સામગ્રી રાજ્ય સરકાર દ્વારા ખરીદ કરવામાં આવતી હતી અને તાલુકા અને જીલ્લા મથક ખાતે મ.ભ.યો કેન્દ્રના સંચાલક અને રસોઇયાને મહેનતાણું ચુકવીને આહાર તૈયાર કરવામાં આવતો હતો. હવે રાજ્ય સરકાર દ્વારા મ.ભ.યો. કેન્દ્ર ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવતા તેલ, દાળ, મરીમસાલા સહિતની ખરીદી એનજીઓ મારફત જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એનજીઓ દ્વારા બજાર ભાવે ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુઓ ખરીદીને તેનું ખોટું બીલ રજુ કરીને રાજ્ય સરકાર પાસેથી વધારાના પૈસા મેળવશે. આમ રૂા.1150 કરોડની સરકારી યોજનામાં ભ્રષ્ટાચારનો ‘કોળીયો’ પણ શરૂ થશે તેમાં બેમત નથી. તાલુકા અને જીલ્લા મથકો ખાતે મ.ભ.યો કેન્દ્રના સંચાલકો અને રસોઇયાઓ દ્વારા બનાવવામાં આવતું ભોજનમાં સીધી જ ડે. કલેકટર, મામલતદારની જવાબદારી ફીકસ થતી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા ખાનગી સંસ્થાઓને મ.ભ.યો. કેન્દ્ર આપી દેતા તેમાં ગોલમાલ અને નબળી ગુણવતાની ખાદ્ય સામગ્રી બાળકોને આપવામાં આવનાર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 8000 કેન્દ્રમાંથી આશરે 500 જેટલા કેન્દ્રોનું ખાનગીકરણ થઇ ચૂકયું છે. તેમાં બે મહાપાલીકાનો પણ સમાવેશ થઇ ચુકયો છે. રાજકોટ મહાપાલીકામાં 60 કેન્દ્રો અને જામનગર મહાપાલીકાના 42 કેન્દ્રો ખાનગી સંસ્થાઓને આપી દેવામાં આવ્યા હોવાની વિગત પ્રકાશમાં આવી છે.