ગીરનાર જંગલના વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થાની માંગMay 17, 2019

જુનાગઢ તા.17
ગિરનારના જંગલ વિસ્તારના વન્યપ્રાણીઓ માટેના પીવાના પાણીનું આગોતરૂં આયોજન કરવા માંગ ઉઠી છે. આ અંગે સર્વોદય નેચર કલબના અમૃતભાઇ દેશાઇએ જૂનાગઢના નાયબ વનસંરક્ષકને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, ગિરના જંગલમાં ઉત્તર અને દક્ષિણ રેન્જમાં અનેક ચેકડેમો બનાવવામાં આવ્યા હતા.આ ચેકડેમોના કારણે વન્યપ્રાણીઓને બારેમાસ જંગલમાંજ પીવાનું પાણી મળી રહેતું હતું. જોકે લાંબા સમય બાદ આ ચેકડેમોમાંથી કેટલાકમાં કાંપ ભરાઇ ગયો છે, કેટલાક ક્ષતિ પામ્યા છે તો કેટલાક નાશ પામ્યા છે. જેના કારણે જંગલમાં વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે અહિં તહિં ભટકવું પડે છે. આવી સ્થિતીને કારણે વન્યપ્રાણી જંગલ છોડી માનવ વસાહતમાં આવવા મજબૂર બન્યા છે. જોકે વન વિભાગે કૃત્રિમ સોર્સ ઉભા કર્યા છે પરંતુ તે અપૂરતા છે. ત્યારે જંગલમાં આવેલ ચેકડેમોમાંથી કાંપ કાઢવામાં આવે તો પાણીનો સંગ્રહ વધી જાય અને વન્યપ્રાણીની પાણીની સમસ્યા દૂર થઇ જાય. આ કામગીરી માટે લોકભાગીદારી કે લોકસેવાની જરૂર પડે તો સર્વોદય નેચર કલબ સહકાર આપવા તૈયાર છે. ત્યારે ચેકડેમોમાંથી સત્વરે કાંપ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી અમૃતભાઇ દેશાઇએ માંગ કરી છે.