સોમનાથ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ડેંગ્યુ દિનની ઉજવણીMay 17, 2019

વેરાવળ તા.17
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્રારા તા.16 મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગયુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી તથા લોકજાગૃતીની પ્રવૃતિઓ કરવામાં આવી હતી જેમાં રેલી, લધુ શિબિર, પત્રિકા વિતરણ, પોરા નિર્દશન અને પ્રદર્શન તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોરાનાશક કામગીરીના કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
ડેન્ગ્યુ એ વાઈરસ થી થતો અને એડીસ ઈજીપ્તી નામના મચ્છર દ્રારા ફેલાતો રોગ છે. આ રોગ ગંભીર છે જેમાં નાક, મોં, પેઢામાંથી લોહી નીકળે છે શરીર પર ચકામાં પડે છે તથા સખત તાવ સાથે આંખના ડોળા પાછળ દુખાવો થાય છે. ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા પાણીમાં વિકાસ પામે છે આથી આવનાર ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધે નહિ તેમજ ડેન્ગ્યુ અંગેનું આરોગ્ય શિક્ષણ મળી રહે તે માટે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું જિલ્લા મેલેરિયા અધિકારી ડો.નિમાવતની યાદીમાં જણાવેલ છે