દેશના મુખ્ય રેલવે સ્ટેશનોએ મળશે વલ્ડર્ર્ કલાસ સુવિધાઓMay 17, 2019

  • દેશના મુખ્ય રેલવે સ્ટેશનોએ મળશે વલ્ડર્ર્ કલાસ સુવિધાઓ

નવી દિલ્હી તા.17
ભારતીય રેલવેએ દેશના મુખ્ય રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવાની તૈયારીઓ કરી લીધી છે. રેલવેએ પોતાના મુસાફરોને સ્ટેશન પર વિશ્વસ્તરીય હોટેલ જેવી સુવિધાઓ મળી રહે એ માટે યોજના બનાવી છે. આ પ્રોજેક્ટમાં તે આઈઆરસીટીસીની મદદથી મુસાફરોને અનેક સુવિધાઓ પ્રાપ્ય કરાવશે. છેલ્લા બે વર્ષથી મુખ્ય સ્ટેશન પર વિશ્ર્વસ્તરીય સુવિધાઓને પ્રાપ્ય કરાવવાનું કામ ચાલી રહ્યું છે. કેટલાક સ્ટેશન પર આ કામ ચાલુ થઈ ચૂક્યું છે.
દેશના મુખ્ય સ્ટેશનો પર આ ખાસ સુવિધાઓ મળી રહે એ માટે રેલવેના દરેક ઝોનને આદેશ આપવામાં આવ્યા છે. હજુ મોટા ભાગના સ્ટેશન પર કામ શરુ થયું ન હોવાને કારણે આ આદેશ આપવામાં આવ્યા છે. આ સુવિધાઓ શરુ થયા બાદ મુસાફરો રેલવે સ્ટેશન પરની હોટેલમાં રોકાણ કરી શકશે. આ હોટેલના દર પણ વ્યાજબી રહેશે. રેલવે તંત્રએ જણાવ્યું હતું કે, રિટાયરિંગ રુમ અને ડોરમેટ્રીને તાત્કાલિક

આઇઆરસીટીસીને સોંપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવે. આઇઆરસીટીસીઆ રુમને અતિ આધુનિક બનાવવાની અને વધુ સુલભ બનાવવાનું કામ શરુ કરશે.
આ હોટેલમાં મુસાફરો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે. આ હોટેલમાં રોકાણની સાથોસાથ ખાવા-પીવાની પણ સુવિધાઓ મળી રહેશે. રેલવે બોર્ડે તા. 2 મે ના રોજ દેશના દરેક રેલવે ઝોનને આ યોજના અંતર્ગત ઝડપથી કામ શરુ કરવા માટે આદેશ આપ્યા છે. અહીં લોકોને બેડ, લોકર, એલઈડી ટીવી, ટેલિફોન ઈન્ટરકોમ, રુમ હિટર જેવી સુવિધાઓ મળી રહેશે. આ તમામ સુવિધાઓનો ચાર્જ પણ કોઈ વધારે રાખવામાં આવશે નહીં.
રેલવેની હોટેલમાં રોકાણ કરનારાઓને સ્થાનિક પ્રવાસનની માહિતી મળી રહેશે એવું આઈઆરસીટીસીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. પ્રવાસનની સાથે લોકલ ટુર અને પેકેજની પણ પૂરતી માહિતી મળશે. દેશના કુલ 600 રેલવે સ્ટેશન પરના 2000થી વધારે રિટાયરિંગ રુમ અને ડોરમેટ્રી સુવિધા ઊભી કરવામાં આવશે. આઈઆરસીટીસીને સોંપવા પાછળનો હેતું યોગ્ય કિંમત સાથે લોકોને સુવિધા મળી રહે તે છે. 72 કલાક પહેલા આ બુકિંગ પણ કરાવી શકાશે. અત્યાર સુધીમાં માત્ર 32 સ્ટેશન પર જ આ પ્રકારની સગવડ ઊભી કરવામાં આવી છે. રેલવે મથકે જ હોટેલ, લોકર, ટેલિફોન - ઇન્ટરકોમ, રૂમ હિટરની વ્યવસ્થા કરવામાં આવશે