આતંકના ખાત્મા માટે ભારતીય સૈન્ય ફોર્સની રચનાMay 17, 2019

  • આતંકના ખાત્મા માટે ભારતીય સૈન્ય ફોર્સની રચના

નવી દિલ્હી તા.17
આતંકવાદ અને ઓચિંતી આવતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે ભારતીય સેનાએ સ્પેશિયલ કમાન્ડો ફોર્સની રચના કરી છે. જેની કમાન મેજર જનરલ એકે ઢીંગરાને સોંપવામાં આવી છે.ભારતની ત્રણેય સેનામાંથી કમાન્ડોની બનેલી આ નવી ફોર્સ આતંકવાદીઓનો ખાતમો કરશે.
ભારતીય સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોના સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનના પ્રથમ ચીફની નિમણૂક કરી છે. મેજર જનરલ એ.કે ઢીંગરા સશસ્ત્ર દળોના સ્પેશિયલ ઓપરેશન્સનો હવાલો સોંપાયો છે.
(અનુસંધાન પાના નં.8)
ત્રણેય સેનાના કમાન્ડો આ ડિવિઝનના ભાગ હશે. મેજર જનરલ એકે ઢીંગરા વિશે વાત કરીએ તો તેઓને સ્પેશિયલ ફોર્સિસનો સારો અનુભવ છે. તેમને સ્પેશિયલ ફોર્સના દિગ્ગજ માનવામાં આવે છે. ઢીંગરા 1 પૈરા સ્પેશિયલ ફર્સ રેજિમેંટથી આવે છે અને તેમણે અમેરિકામાં સ્પેશિયલ ઓપરેશન્સનો કોર્સ પણ કર્યો છે. જ્યારે ભારતે શ્રીલંકામાં પીસકીપિંગ ફોર્સ મોકલી હતી ત્યારે મેજર ઢીંગરા પણ શ્રીલંકામાં ભારતીય પીસકીપિંગ ફોર્સનો એક ભાગ હતા.
આમ તો ત્રણેય સેનાએ મળીને ઘણા ઓપરેશન્સને અંજામ આપ્યા છે. પરંતુ આ પહેલીવાર બનશે કે જ્યારે ત્રણેય સેનાની સૌથી ખતરનાક ફોર્સ એક નિયંત્રણ બોર્ડ હેઠળ કામ કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર્મ્ડ ફોર્સીઝ સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝન હેઠળ ત્રણ હજાર કમાન્ડો હશે. સેનાના આ વિભાગમાં ભારતની સૌથી ખતરનાક સેના પેરાશૂટ રેજિમેન્ટ, નૌસેનાના માર્કોસ કમાંડો અને વાયુ સેનાના ગરુડ કમાન્ડોઝ સામેલ થશે. આ ડિવિઝનનું મુખ્યાલય આગ્રા અથવા બેંગાલુરૂમાં બનાવવામાં આવશે. ઓસામા બિન લાદેનના ખાત્મો કરનારી અમેરિકાની સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ ફોર્સની જેમ જ ભારતનું આ કમાન્ડો ફોર્સ કામ કરશે.
સૌથી ખાસ વાત એ છે કે આ ડિવિઝન દેશની અંદર અને દેશની બહાર એમ બંને તરફ આતંકવાદ વિરોધી અભિયાનને અંજામ આપશે. આર્મ્ડ ફોર્સીઝ સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનના પોતાના હથિયાર, સર્વેલાન્સ વિંગ.. હેલિકોપ્ટર, ઇન્ટેલિજન્સ વિંગ, ટ્રાન્સપોર્ટ વિમાન વગેરે હશે. જે ગમે ત્યારે આતંકવાદી ઠેકાણાઓનો ખાત્મો બોલાવવા માટે તૈયાર રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોધપુરમાં સંયુક્ત કમાન્ડર સંમેલનમાં આર્મ્ડ ફોર્સીઝ સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનની સ્થાપના કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જે બાદ રક્ષા મંત્રાલયે આ ડિવિઝનની સ્થાપના કરી હતી.