ઈજનેરીની ડિમાન્ડ ઘટતા ફીમાં ઘટાડો કરતી કોલેજMay 17, 2019

  • ઈજનેરીની ડિમાન્ડ ઘટતા ફીમાં ઘટાડો કરતી કોલેજ

 50 હજાર સુધીની
ફી ઘટાડી નખાઈ
રાજકોટ તા,17
ઈજનેરીમાં આ વર્ષે દીવો લઈને વિદ્યાર્થી શોધવા જવું પડે તેવા દિવસો આવી ગયા છે. ટેકનિકલ કોર્સની ફી નકકી કરતી ફી રેગ્યુલેટરી કમિટીએ મહેસાણાની જીપેરીના બીઈ-બીટેક કોર્સમાં રૂા.50 હજારનો અને વાસદની એસવીપીઆઈટીના એમસીએ કોર્સમાં રૂા.23 હજારનો ઘટાડો મંજુર કર્યો છે. બન્ને કોલેજોએ સામેથી ફી ઘટાડો માગ્યો અને એફઆરસીએ મંજુર કર્યો છે.
ગત વર્ષે ઉત્તર ગુજરાતની કોલેજોએ વિદ્યાર્થીઓને આકર્ષવા અડધી ફી માફી સહિતની લાલચ આપી હતી. ફીમા પચાસ ટકા માફીનો તો ઘણી કોલેજોએ અમલ પણ કર્યો હતો. આ વર્ષે ધો.12 સાયન્સ એ ગ્રુપમાં માત્ર 38 હજાર વિદ્યાર્થી પાસ થયા છે. તેની સામે

60 હજાર સીટ છે. મતલબ એડમિશન પ્રક્રિયા શરુ થતા પહેલા જ 22 હજાર સીટ ખાલી પડી છે.
આ વર્ષે મહેસાણા પાસે આવેલી ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયુટે તેના બીઈ-બીટેક કોર્સમાં પ્રવેશ માટેની એફઆરસીએ મંજુર કરેલી ફી રૂા.90,000માંથી ઘટાડીને રૂા.40,000 કરવા દરખાસ્ત કરતા કમિટીએ તેને મંજુર આપી છે. આણંદ જિલ્લાના વાસદમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીએ એમસીએમાં રૂા.74000ની મંજુર ફી ઘટાડીને રૂા.51,000 કરવા દરખાસ્ત કરતા તેને કમિટીએ મંજુરી આપી છે. અગાઉ પણ કોલેજોએ કમિટી પાસે સત્તાવાર રીતે ફીમા ઘટાડો માગી લીધો હતો.