ડે.કલેક્ટર ધવલ જાનીને ફરી મલાઇદાર પોસ્ટિંગMay 17, 2019

 ગેસ કેડરના અધિકારીઓમાં કચવાટ
રાજકોટ : ગેસ કેડરના જુનીયર સ્કેલના વિવાદાસ્પદ અધિકારી ધવલ જાની, જેમનું આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફીસર તરીકેનું પોસ્ટીંગ હાઇકોર્ટની તીખી આલોચના અને માર્ગદર્શિકાને પગલે ચૂંટણી પંચને આંચકી લેવું પડયું હતું અને એમને શરમજનક રીતે કોઇપણ પોસ્ટીંગ વિહોણા બનાવી દેવાયા હતા. તેમને ગુજરાત સરકારે જાણે શીરપાવરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં ડે. કલેકટરનું પદ સોંપતા બ્યુરોક્રસીમાં ભારે ગણગણાટ થઇ રહ્યો છે.
આ અધિકારીએ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી વખતે ધોળકાના પ્રાંત અધિકારી તરીકે વિવાદાસ્પદ ભૂમિકા ભજવી હતી. જેના કારણે હાઇકોર્ટના કેસમાં રાજ્યમાં વહીવટીતંત્રની ફજેતી થઇ હતી. છેલ્લે હાઇકોર્ટમાં આ અધિકારીની વરવી ભૂમિકાનો મામલો ચાલતો હતો ત્યારે સૂત્રોના કહેવા મુજબ સચિવોની બેઠકમાં પણ આ અધિકારીની કામગીરીના વિડીયોની ખાસ્સી ટીકા થઇ હતી અને ચૂંટણી પંચને આ કેસના સંદર્ભમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને યોગ્ય તાલીમ આપવા જણાવાયું હતું. આમ ધવલ જાનીના કારણે આખા વહીવટીતંત્રની અને ખાસ કરીને બ્યુરોક્રસીની હાઇકોર્ટમાં ભારે બેઇજ્જતી થઇ છે છતાં કોઇ રીતે એને સારું ગણાતું પોસ્ટીંગ અપાયું તેની ચર્ચા ઉચ્ચ અધિકારીઓમાં થઇ રહી છે.