સંજય દત્તની જેલ મુક્તિમાં નિયમો નેવે મૂકાયાનો ધડાકોMay 17, 2019

  • સંજય દત્તની જેલ મુક્તિમાં નિયમો નેવે મૂકાયાનો ધડાકો

પુણે તા. 17
પૂણે સ્થિત યરવડા જેલના સત્તાવાળાઓએ એક ચોંકાવનારા ખુલાસામાં જણાવ્યું છે કે, મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત ઠરેલા સંજય દત્તની સજામાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકારનો સંપર્ક જ કરાયો નહોતો. સંજય દત્તે આર્મ્સ એક્ટ અંતર્ગત પાંચ વર્ષ કેદની સજા થઈ હતી. સારી વર્તણૂકના કારણે તેની સજામાં ઘટાડો કરાયો હતો. સ્વ. વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા એ.જી. પેરારિવલને દાખલ કરેલી એક માહિતી અધિકાર અરજી અંતર્ગત જેલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, સંજય દત્તને જેલમાંથી વહેલા મુક્ત કરવા અંગેનો કેસ ન હોવાના કારણે કોઈ પત્રવ્યવહાર કે ફાઈલ નોંધ જેવા કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી.
જેલના અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર પ્રિઝન મેન્યુઅલના સજામાં માફીના નિયમોના આધારે સંજય દત્તને મુક્ત કરવાના આદેશ અપાયા હતા. આ માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને જાણ કરવાની કોઈ જરૂર નથી જેલના મેન્યુઅલ પ્રમાણે સારી વર્તણૂક માટે સંજય દત્તને રાહત અપાઈ હતી અને આ નિર્ણય બંધારણીય અથવા તો ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈઓના આધારે લેવાયો નહોતો.
ચેન્નઈની જેલમાં સજા કાપી રહેલા પિરારિવલને જણાવ્યું હતું કે, મારો ઇરાદો સંજય દત્તને ફરી જેલમાં મોકલવાનો નથી. હું ઇચ્છું છું કે, શ્રીહરન કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને સુધારવામાં આવે કારણ કે તેનું સાચી રીતે પાલન થઈ રહ્યું નથી. બંને કેસ આતંકવાદને લગતા હોવા છતાં સરકાર કેદીઓને છોડવામાં પક્ષપાત કરી રહી છે.પેરારિવલનના વકીલે જણાવ્યું હતું કે, સંજય દત્તને કેન્દ્ર સરકારની મંજૂરી પછી જ મુક્ત કરી શકાય કારણ કે તેને આર્મ્સ એક્ટ અંતર્ગત સજા થઈ હતી. 2015માં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચે એક કેસમાં ચુકાદો આપ્યો હતો કે, આર્મ્સ એક્ટ અંતર્ગતના અપરાધોના કેસોમાં સજામાં ઘટાડો કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકારને જ છે.પેરારિવલનના વકીલે જણાવ્યું હતું કે, સંજય દત્તને વહેલા મુક્ત કરવા માટે મહારાષ્ટ્ર સરકારે કરેલો નિર્ણય કાયદાની સામે ટકી શકે તેમ નથી. આર્મ્સ એક્ટમાં દોષિત ઠરેલા વ્યક્તિને ફક્ત કેન્દ્ર સરકાર જ સુપ્રીમ કોર્ટની માર્ગર્દિશકા પ્રમાણે માફી આપી શકે છે. સંજય દત્તની મુક્તિ કાયદા સામે ટકી શકે તેમ નથી.