નેપાળના કાંચનજંગા પર્વત પર બે ભારતીયોના મૃત્યુMay 17, 2019

કઠમંડુ તા,17
વિશ્ર્વના ત્રીજા નંબરના સૌથી ઊંચા નેપાળના કાંચનજંગા પર્વતની નજીક બે ભારતીય પર્વતારોહકોના મૃત્યુ થયા છે. ઊંચાઈ પર પહોંચતી વખતે થયેલી માંદગી તેમના મૃત્યુનું કારણ હોવાનું એક અધિકારીએ ગુરુવારે કહ્યું હતું.
મૃત્યુ પામેલા આ બે પર્વતારોહકોમાં 48 વર્ષીય બિપ્લબ બૈદ્ય અને 46 વર્ષીય કુંતલ ક્ધરારનો સમાવેશ હતો. બુધવારે રાત્રે કેમ્પ-4ની ઉપરના ભાગમાં તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. શરીરના જરૂર કરતાં નીચા તાપમાન અને દૃષ્ટિ ગુમાવવા સહિતની આંખની તકલીફોને લીધે આ બન્ને પુરુષ પર્વતારોહકો 8,586 મીટર (28,160 ફૂટ)ની એક ટોચ પર પહોંચ્યા પછી વધુ ઊંચે જવા અસમર્થ હતા. બિપ્લબે શિખર સર કર્યું હતું, પરંતુ કુંતલ એ પહેલાં જ માંદો પડી ગયો હતો અને ટોચ સુધી નહોતો પહોંચી શક્યો. તેઓ શિખરની નજીકથી નીચે ઉતરતી વખતે મૃત્યુ પામ્યા હતા, એમ બેઝ કેમ્પ ખાતે નિયુક્ત નેપાળના પર્યટન મંત્રાલયના લાયઝન ઑફિસર મીરા આચાર્યએ પીટીઆઇને જણાવ્યું હતું. આ બે પર્વતારોહકો પશ્ર્ચિમ બંગાળથી ગયેલા કુલ પાંચ પર્વતારોહકોની ટીમના મેમ્બર હતા, એમ પાસન્ગ શેરપાએ જણાવ્યું હતું.
આ બે ભારતીય પર્વતારોહકો ઉપરાંત જર્મનીના એક પર્વતારોહકને પણ વાતાવરણની ગંભીર અસર થઈ હતી. અસહ્ય હિમને કારણે તેની ચામડી ફાટી ગઈ હતી અને તેના શરીર પર સોજા થયા હતા. ચિલી દેશનો એક પર્વતારોહક બુધવાર સાંજ પછી કેમ્પ-4 ઉપર પહોંચ્યા બાદ ગુમ થઈ ગયો હતો. તેણે શિખર સર કર્યો હતો, પણ પછી સાથીઓને નહોતો દેખાયો. તેની શોધખોળ થઈ રહી છે.