મહાત્મા ગાંધીનો હત્યારો ‘દેશભકત’ ?May 17, 2019

  • મહાત્મા ગાંધીનો હત્યારો ‘દેશભકત’ ?

ભારતમાં રાજકારણ સાવ હલકી કક્ષાનું થઈ ગયું છે ને જેમને પોતે શું બોલવું તેનું ભાન જ નથી એવાં લોકો રાજકારણમાં વધતાં જાય છે. ભાજપે મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારેલાં પ્રજ્ઞા ઠાકુર આવો જ એક નમૂનો છે. પ્રજ્ઞા ઠાકુરે પોતાની આ ક્ષમતાનો પરચો ફરી આપ્યો છે ને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત જાહેર કરી દીધા છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હસને થોડા સમય પહેલાં નથુરામ ગોડસેના સંદર્ભમાં એવી કોમેન્ટ કરેલી કે, ભારત આઝાદ થયો એ પછી આ દેશમાં પાકેલો પહેલો આતંકવાદી એક હિંદુ હતો ને તેનું નામ નથુરામ ગોડસે હતું. કમલના કહેવા પ્રમાણે આ દેશમાં ત્યારથી હિંદુ આતંકવાદ શરૂ થયો.
કમલ હસને જે વાત કરી એ વાહિયાત હતી કેમ કે તેણે ગોડસેના કૃત્યને હિંદુત્વ સાથે જોડી દીધેલું. ગોડસે હિંદુ હતો એ સાચું પણ તેણે જે કંઈ કરેલું તેને હિંદુત્વ સાથે કંઈ લેવાદેવા નહોતી એ જોતાં કમલ હસને બકવાસ જ કરેલો. હિંદુ પરિવારમા જન્મી હોય એવી વ્યક્તિ આતંકવાદના રવાડે ચડે તેના કારણે હિંદુત્વને આતંકવાદ સાથે ના જોડી શકાય. એ બકવાસ બદલ તેના માથે માછલાં પણ ધોવાયેલાં ને વાત ત્યાં પતી જવી જોઈતી હતી પણ પ્રજ્ઞાને કારણે વાત આગળ વધી છે. પ્રજ્ઞાને પત્રકારોએ કમલ હસનના લવારા અંગે પ્રતિક્રિયા આપવા કહેવાયેલું તેમાં તો આ બેન ફોર્મમાં આવી ગયાં. તેમણે જાહેર કર્યું કે, નથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે ને હંમેશાં રહેશે. જે લોકો ગોડસેને આતંકવાદી ગણાવે છે એ લોકોએ પોતાની અંદર જોવું જોઈએ ને આવાં લોકોને દેશની પ્રજા ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે.
પ્રજ્ઞાના આ લવારાના કારણે બબાલ થઈ જાય એ સ્વાભાવિક છે. ભાજપ વિરોધી પક્ષોને તો પ્રજ્ઞાની મેથી મારવા માટે એક કારણ મળી જ ગયું ને તેમણે એ કાર્યક્રમ શરૂ પણ કરી દીધો પણ ભાજપવાળા પણ ભડકી ગયા. ભાજપે તાબડતોબ પોતાના પ્રવક્તા જી.વી.એલ. નરસિંહરાવને દોડાવવા પડ્યા. નરસિંહરાવે પત્રકાર પરિષદ કરવી પડી ને તેમાં તેમણે પ્રજ્ઞાનાં લવારાનાં મામલે હાથ તો ખંખેરી નાંખ્યા જ પણ સાથે સાથે પ્રજ્ઞાને તતડાવી પણ નાંખી. નરસિંહરાવે સાફ શબ્દોમાં કહ્યું કે, ભાજપ સાધ્વી પ્રજ્ઞાએ જે કંઈ કહ્યું તેની સાથે ભાજપ સહમત નથી ને અમે તેની આકરી ટીકા કરીએ છીએ. એટલું જ નહીં પણ પ્રજ્ઞાએ આ મામલે પક્ષ સમક્ષ ચોખવટ કરવી પડશે ને આ લવારા માટે તેમણે આખા દેશની જાહેરમાં માફી પણ માગવી જોઈએ.
ભાજપ શું કરશે તેની બહુ જલદી ખબર પડશે પણ ગોડસેને દેશભક્ત ગણાવીને પ્રજ્ઞાએ પોતાની ખતરનાક ને વિકૃત માનસિકતા છતી કરી છે. આ માનસિકતા એ હદે ખતરનાક છે કે, કોઈને હત્યા કરી નાંખવામાં પણ તેમને કશું ખોટું લાગતું નથી. એક હત્યારાને તમે કઈ રીતે દેશભક્ત ગણાવી શકો ? ને ગોડસેએ હત્યા પણ કોની કરી હતી ? ગોડસેએ ભારતને કનડનારા કોઈ હરામખોરને મારી નાંખ્યો હોત તો બરાબર હતું પણ તેણે તો આ દેશના રાષ્ટ્રપિતાની કરી હતી. આ દેશને આઝાદ કરાવવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દેનારા માણસને તેણે મારી નાંખ્યા હતા. આવા મહાન માણસની હત્યા કરનારાને દેશભક્ત ગણાવવો એ ખરેખર તો માનસિક વિકૃતિ કહેવાય. ગોડસેએ ગાંધીજીની હત્યા કરીને દેશદ્રોહ કરેલો ને તેના બદલે પ્રજ્ઞા તેને દેશભક્ત ગણાવે છે. કાલે કોઈ ભારતીય હાફિઝ સઈદ કે મસૂદ અઝહરને પતાવી દે તો ચોક્કસ તેને દેશભક્ત કહી શકો કેમ કે સઈદ ને મસૂદે આ દેશને નુકસાન કર્યું છે, આ દેશનાં લોકોના લોહીથી તેમના હાથ રંગાયેલા છે પણ આ દેશના રાષ્ટ્રપિતાની હત્યા કરનારો દેશભક્ત હોઈ જ ના શકે.
ગોડસેએ ગાંધીજીની હત્યા પોતાની મુસ્લિમ વિરોધી માનસિકતાના કારણે કરી હતી. ગાંધીજી પાકિસ્તાનની બહુ તરફદારી કરે છે એવું ગોડસેને લાગતું હતું ને તેના કારણે તેણે ગાંધીજીની ત્રણ ગોળી મારીને તેમની હત્યા કરી દીધી. ગોડસેને પોતે કરેલા કૃત્યનો જરાય વસવસો નહોતો. ગોડસેએ તો પોતે કરેલા કૃત્યને યોગ્ય ઠેરવ્યું છે. ગોડસેની વિચારધારા ખોટી હતી ને તેણે જે કૃત્ય કર્યું એ તો અક્ષમ્ય હતું. મૂળ તો સભ્ય સમાજમાં વૈચારિક મતભેદના કારણે તમે કોઈની હત્યા કરી નાંખો એ જ અક્ષમ્ય છે. એવી વ્યક્તિને માણસ જ ના ગણી શકાય. આવો માણસ આ દેશનો હતો એ વિચારીને જ આપણને શરમ આવવી જોઈએ. તેના બદલે આ બાઈ એક હત્યારાને દેશભક્ત ગણાવે છે. વાસ્તવમાં આ વાત કરીને પ્રજ્ઞાએ પોતાની માનસિકતા પણ ગોડસેની જેમ હળાહળ મુસ્લિમ વિરોધી છે એવું સાબિત કર્યું છે.
આ પ્રકારના લવારા કરીને પ્રજ્ઞા સહિતનાં લોકો દેશભક્તિના નવા પાઠ ભણાવવાની કોશિશ કરી રહ્યાં છે ને તેની સામે પણ ચેતવાની જરૂર છે. તમને ઠીક લાગે એ વિચારો દેશભક્તિ ના કહેવાય ને તેના આધારે કોઈની હત્યા કરી નાંખો એ તો બિલકુલ દેશભક્તિ ના કહેવાય.