ચૂંટણી પરિણામ પછી મહારાષ્ટ્ર પ્રધાનમંડળમાં થશે ફેરફારMay 17, 2019

  • ચૂંટણી પરિણામ પછી મહારાષ્ટ્ર પ્રધાનમંડળમાં થશે ફેરફાર

મુંબઇ,તા.17
લોકસભાની ચૂંટણીના પરિણામો હવે એક અઠવાડિયું દૂર છે ત્યારે ચુકાદા પહેલાં જ રાજ્યના પ્રધાનમંડળમાં ફેરફારના સંકેત મળી રહ્યા છે. જૂનના પહેલા જ અઠવાડિયામાં પ્રધાનમંડળમાં ફેરફાર થઈ જશે એવું જાણવા મળી રહ્યું છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ કેટલાક નવા ચહેરાઓને તક આપવા માગે છે અને આ માટેની તૈયારીના ભાગરૂપે પક્ષમાં પ્રવેશ કરનારા કેટલાક મોટા માથાંને પ્રધાનપદાંની લોટરી લાગી જશે.
આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યા મુજબ લોકસભાની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં પરિણામો આવશે તો પછી રાધાકૃષ્ણ વિખે પાટીલ, જયદત્ત ક્ષીરસાગર, વિજયસિંહ મોહિતે-પાટીલ ભાજપમાં પ્રવેશ કરશે અને આ બધા જ નેતાઓ અત્યંત દિગ્ગજ હોવાથી તેમને પ્રધાનપદાં પણ મળશે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાધાકૃષ્ણ વિખે-પાટીલ પ્રધાનમંડળમાં બીજા નંબરનું સ્થાન મેળવવાના ઈચ્છુક છે. ચંદ્રકાંત પાટીલ પાસે રહેલું મહેસૂલ ખાતું તેમને મળી શકે એમ ન હોવાથી પાંડુરંગ ફૂંડકરના નિધનને પગલે ખાલી પડેલું કૃષિ ખાતું મળી શકે છે. આ ઉપરાંત બાકીના બંને નેતા મરાઠવાડાના એનસીપીના મોટા ગજાના નેતા હોવાથી તેમને પણ કેબિનેટ પ્રધાનપદું આપવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પરિણામો પહેલાં 21મી મેના રોજ ભાજપની ચૂંટણી અંગેની એક અવલોકન બેઠકનું આયોજન કર્યું છે અને તેમાં લોકસભાની ચૂંટણી વખતે નારાજ લોકોની નારાજગી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે.