થોર, ટર્મિનેટર જેવી ફિલ્મોનાં અદાકારે કરી આત્મહત્યાMay 17, 2019

  • થોર, ટર્મિનેટર જેવી ફિલ્મોનાં અદાકારે કરી આત્મહત્યા

લોસ એન્જલસ તા.17
42 વર્ષીય એક્ટર ઈસાક કેપીએ બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી છે. ઈસાક જાણીતી ફિલ્મ ‘થોર’માં પોતાના કેરેક્ટર માટે જાણીતો હતો. યુએસએ ટૂડેના રિપોર્ટ અનુસાર, અભિનેતાએ એરિઝોનાના ફ્લેગસ્ટાફની પાસેના એક પુલ પરથી હાઈવે પર કૂદીને આત્મહત્યા કરી છે. એરિઝોનાના સાર્વજનિક સુરક્ષા વિભાગે આ જાણકારી આપી છે.
રિપોર્ટ અનુસાર બે યુવકોએ તેને કૂદતો અટકાવવા માટે પ્રયત્ન પણ કર્યો હતો પણ તે સફળ ન રહ્યાં અને એક વાહન સાથે ટકરાવાને કારણે ઈસાકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. એક્ટરે આત્મહત્યા કરતા પહેલા
ઈન્સ્ટાગ્રામ પર લાંબો અને દિલ તોડી નાખનારો મેસેજ કર્યો છે.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘છેલ્લા એક સપ્તાહથી મેં પોતાની જાત અંગે ઘણી પ્રકારના આત્મમંથન કર્યા છે. હું મારી જાતને એક સારો માણસ સમજતો હતો પણ હું એક સારો માણસ નથી પણ કહેવા માગું છું કે, કે, હું જીવનભર એક ખરાબ વ્યક્તિ રહ્યો છું.’
પોતાની આ પોસ્ટમાં તેણે દારૂ અને ડ્રગ્સ સાથે સંધર્ષની સફર પણ વર્ણવી છે. તેણે જિસસ ક્રાઈસ્ટ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તે તમામ લોકોની માફી માગી જેમના દિલ તેણે જાણતા-અજાણતા દુભાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક્ટર સેટ ગ્રીન સાથે તણાવને કારણે પણ ઈસાક ચર્ચામાં રહ્યો હતો.
તેણે ઘણી મોટી ફિલ્મોમાં નાના પાત્રો ભજવ્યા હતા. 2011માં બ્લોકબસ્ટર ફિલ્મ ‘થોર’માં તેણે પોતાના રોલ દ્વારા સૌથી વધુ નામના મેળવી હતી. આ ઉપરાંત 2009માં આવેલી ‘ટર્મિનેટર સાલ્વેશન’માં તેણે બારબારોસા અને આ જ વર્ષે આવેલી ‘ફેનબોયઝ’માં ગરફનકેલનું પાત્ર ભજવ્યું હતું.