ભાણવડના રાણપરના પ્રૌઢ પાસે તોતિંગ વ્યાજ વસૂલનાર ત્રણ સામે ગુનો નોંધાયોMay 17, 2019

 વ્યાજના ચક્રમાં ફસાયેલ પ્રૌઢે આપઘાત કરતા પોલીસે કરી કાર્યવાહી
જામ ખંભાળિયા તા. 17
ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા બાબુભાઇ ઇશાભાઇ મલકે નામના 58 વર્ષના મુસ્લીમ પ્રૌઢે તેમના ધંધામાં ખોટ જતાં તેમના પર કર્જની ચિંતામાં ગઇ તા. છઠ્ઠીમે ના રોજ ઉઘરાણીના દબાણથી વ્યથિત હાલતમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ સ્થાનિક પોલીસમાં જાહેર થયો હતો. આ બનાવ અંગે મૃતકના પત્નિ મુમતાઝબેન બાબુભાઇ મલેક (ઉ.વ.56, રહે. રાણપર) એ પોતાના પતિને મરી જવા માટે મજબુર કરવા સબબ ભાણવડના રહીશ હિતેશ જમનાદાસ રાજાણી, નિલેશ કુમારભાઇ પોપટ અને યુસુફ અબુભાઇ મકરાણી સામે ધોરણસર પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ઉપરોકત ત્રણેય શખ્સોએ મૃતક બાબુભાઇ તથા તેમના પત્નિ મુમતાઝ બેનને અંધારામાં રાખી અવેજ પેટે આપેલી તેઓની ભવનેશ્ર્વર ગામની સીમમાં આવેલી સર્વે નં. 111 વાળી જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો અને રૂા. સતર લાખ ઉંચા વ્યાજે આપીને સોળ તોલા સોનાના દાગીના પણ તેઓએ રાખી લીધા હતાં. આમ, પૈસાનું ધીરાણ કરી બાબુભાઇ પાસેથી પઠાણી ઉઘરાણી કરી, ધાક - ધમકીઓ આપવામાં આવતાં આખરે તેમણે કંટાળીને મરી જવા મજબુર થઇ, આપઘાત કરી લીધાનું પોલીસ ફરીયાદમાં જાહેર થયું છે.