દારૂ ન પીવા સલાહ આપનાર વૃધ્ધની નશાખોરે કરી હત્યાMay 17, 2019

  • દારૂ ન પીવા સલાહ આપનાર  વૃધ્ધની નશાખોરે કરી હત્યા

 સલાયામાં 10 દિવસ પૂર્વે થયેલી નિવૃત્ત અધિકારીની હત્યાનો ભેદ ઉકેલાયો
વઢવાણ તા.17
સાયલામાં સર્કલ નજીક કાટમાંથી નિવૃત ખેતીવાડી અધિકારીની હત્યા કરાયેલી હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલવામાં અંતે દશ દિવસે પોલીસને સફળતા મળી છે. જેમાં દારુ પીવાની ના પાડતા વુદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની આરોપીએ કબુલાત આપી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગત તા.6/5/2019 ના રોજ અમદાવાદથી જુનાગઢ જવા નીકળેલા ખેતીવાડી વિભાગના નિવૃત અધિકારી ગુણવંતરાય ઇચ્છાશંકર ભટ્ટની તેમની જ કારમાંથી તીક્ષ્ણ હથિયારના ઘા ગળા પર ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી
આવી હતી.
જે બનાવની ઝીણવટ ભરી તપાસ ચલાવી ભેદ ઉકેલવા મથતી પોલીસના હાથમાં ત્રણ દિવસ પહેલા લીંબડીની હોટલમાંથી આ ગુણવંતરાય સાથે એક અજાણ્યો શખ્સ નાસતો ફરતો અને બાદમાં તેમની સાથે કારમાં જોવા મળ્યો હતો જેના સીસીટીવી કુટેજના આધારે ફોટોગ્રાફ પણ ત્રણ દિવસ પહેલા પોલીસ દ્વારા જાહેર કરાયા હતા.
દરમિયાન એસ.ઓ.જી. ના એ.એસ.આઇ. દાદુભાઇ જાડેજાને મળેલી બાતમી આધારે સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો શખ્સ ભાર્ગવ મુકેશભાઇ જાની (ઉ.20) વાળો ફોટામાં નજરે પડતો હોવાનું ખુલતા પોલીસે વોચ ગોઠવી આ શખ્સને પકડી પાડયો હતો.
આ શખ્સે પોતે દારુ પીધો હતો પરંતુ રસ્તામાં વૃદ્ધ વારંવાર બ્રાહ્મણના દિકરાએ દારૂ પીવાય નહિ તેવી સુચના આપતા હોવાથી છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હોવાની કબુલાત આપી હતી. જો કે પોલીસને આ વાત ગળે ઉતરતી નથી તેથી સાચી હકીકત મેળવવા આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ
ધરી છે.