ચંદનચોરી કરતી ‘મહિલા ગેંગ’ ઝડપાઈ : જેલહવાલેMay 17, 2019

  • ચંદનચોરી કરતી ‘મહિલા ગેંગ’ ઝડપાઈ : જેલહવાલે

ક્ષ ચંદનનાં છોડિયા, કટિંગનાં સાધનો,
28 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત
જુનાગઢ તા. 17
જુનાગઢ વન વિભાગે ચંદન ચોરી અને ચંદનનાં વૃક્ષો કટીંગ મામલે દોલતપરા નજીક દંગા નાખી રહેતી 12 મહિલાઓને વનવિભાગે ચંદનના છોડીયા, કટિંગમાં વપરાયેલ સરંજામ તથા 13 મોબાઈલ અને 28 બાળકો સાથે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ મહિલાઓને તા. 30-5-2019 સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો, જૂનાગઢના દક્ષિણ રેન્જમાં ડુંગરપુર નજીક આવેલા દેડકીયા બીટમાં એકાદ અઠવાડિયા પૂર્વે ચંદનના વૃક્ષોનું કટીંગ કરી, ચંદનના લાકડાની ચોરી કર્યાનું વન વિભાગને જાણમાં આવતા વન વિભાગે આ અંગે તપાસ આદરી ચંદન ચોરને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી, દરમિયાન આરએફઓ ભગીરથસિંહ ઝાલા તથા તેમની ટીમને આ બાબતે સફળતા મેળવી હતી અને દાતારના ડુંગર પાસે બે મહિલાઓ શંકાસ્પદ રીતે જણાતા તેમની પૂછપરછ કરતા આ મામલામાં આ મહિલાઓની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું અને બાદમાં આ રેકી કરતી મહિલાઓની સાથે બે યુવકો પણ હાથમાં આવી જવા પામ્યા હતા.
દરમિયાન દોલતપરા વિસ્તારના દીપક પેટ્રોલ પંપ પાસે એક બંધ મિલમાં દંગા પકડાયેલા બે યુવકો તથા મહિલાઓ રહેતી હતી ત્યાં વન વિભાગની ટીમ તપાસમાં ગયેલ ત્યારે તપાસ કરતા દંગામાંથી ચંદનના છોડયા તથા ચંદન કટિંગમાં વપરાયેલ સરંજામ હાથ લાગતા આ ગુન્હામાં આ લોકોની સંડોવણી હોવાની શંકા જતા રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી પરંતુ વન કર્મીઓ કરતા શકમંદ મહિલાઓ વધુ હતી ત્યારે મહિલાને રાઉન્ડ ઉપની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન પકડાયેલ બન્ને યુવાનો નાસી છૂટ્યા હતા. જોકે 28 બાળકો સાથે 12 મહીલાઓ ઝડપાઇ ગઇ હતી અને તેમની પાસેથી 13 મોબાઈલો તથા ચંદનના લાકડાના છોડ્યા તેમજ ચંદન કટીંગ માટે વપરાયેલા સરંજામ વનવિભાગે જપ્ત કરી મહિલાઓની કાયદેસર ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી અને બાદમાં કોર્ટમાં આ મહિલાઓને રજૂ કરવામાં આવતા કોર્ટે આગામી 30 મે સુધી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
દરમિયાન વન વિભાગના એસીએફ ખટાણાના જણાવ્યા અનુસાર વન વિભાગે નાસી છૂટેલા બે યુવકોની ઓળખ થઈ જવા પામી છે અને આ તસ્કરીમાં ગેંગના અન્ય કેટલા સભ્યો હતા તે અંગેની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે, આ પ્રકરણમાં વન વિભાગને આશા છે કે આ તસ્કર ગેંગ ખૂબ જ ઝડપથી પકડાઈ જશે અને તેના પકડાયા બાદ ગુનાઓના ભેદ ખુલશે.