ગૌરીદળ ગામેથી કડિયાકામ કરી પરત આવતા યુવકનું તુફાન જીપ હડફેટે મોત May 16, 2019

રાજકોટ તા.16
રાજકોટ મોરબી હાઇવે ઉપર બેફામ બનીને દોડતી તુફાન જીપે વધુ એક યુવકનો ભોગ લીધો છે મૂળ યુપીનો અને અહીં મામા સાથે રહી પરિવારને મદદરૂપ થતો યુવક ગૌરીદળથી મિત્ર સાથે બાઈક લઈને પરત આવતો હતો ત્યારે તુફાનનાં ચાલકે ઠોકરે ચડાવતા મોત થયું હતું બે બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ સંતકબીર રોડ ઉપર લાખેશ્વર સોસાયટીમાં મામા સાથે રહેતો અને કડિયાકામ કરતો કુંવરસિંહ જગતસિંહ ખંગાર નામનો 21 વર્ષીય રાજપૂત યુવાન ગત સાંજે પાંચેક વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મારુતિનગરમાં રહેતા અર્જુન નારદજી ઠુમ્મર સાથે બાઈક લઈને ગૌરીદળથી કડિયાકામ પૂરું કરીને પરત ઘરે આવવા નીકળ્યો હતો ત્યારે થોડે દૂર પહોંચતા જ જી જે 3 એફ 9120 નંબરની તુફાન જીપના ચાલકે આ બંને યુવકોને ઠોકરે ચડાવતા બંને ફંગોળાઈ ગયા હતા અને લોકોના ટોળા એકઠા થઇ જતા બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કુંવરસિંહનું મોત નીપજ્યું હતું જયારે અર્જુનને દાખલ કરવામાં આવ્યો હતો મૃતક કુંવરસિંહ બે બહેનોનો એકનો એક ભાઈ હતી અને કડિયાકામ કરી પરિવારને મદદરૂપ થતો હતો યુવકના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે આ અંગે કુવાડવા રોડ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા તુફાન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.