ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી યુવક પર ઇનોવા ચડાવી દઈ અકસ્માતમાં ખપાવી નાખવાની આપી ધમકીMay 16, 2019

રાજકોટ તા.16
શહેરના મોરબી રોડ ઉપર અમૃત પાર્કમાં રહેતા વિપ્ર યુવકને મકાનમાલીકે વશીકરણની વિધિ કરવાની ના પાડી હોય તેનો ખાર રાખી મકાન ખાલી કરવાનું કહી માર મારી ધમકી આપવાની પાંચ દિવસ પૂર્વેની ઘટનામાં હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે તેવામાં ગઈકાલે રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આરોપીના પુત્રએ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ચાલુ ગાડીએ ઇનોવા માથે ચડાવી મોત નિપજાવી અકસ્માતમાં ખપાવી દેવાની ધમકી આપતા યુવક ભયભીત થઇ ગયો છે.
શહેરના મોરબી રોડ ઉપર અમૃત પાર્કમાં રહેતા વિશાલ ભરતભાઈ જોશી નામના વિપ્ર યુવકને વૃંદાવન સોસાયટીમાં રહેતા અશોક પોપટભાઈ પાઘડા નામના શખ્સે વશીકરણની વિધિ કરવા કહ્યું હતું જે કરવાની ના પાડી હતી ત્યાર બાદ અશોકભાઈએ પોતાનું મકાન ખાલી કરવાનું કહેતા વિશાલે 3 વર્ષના ભાડા કરાર સાથે ડિપોઝીટ પેટે આપેલા અઢી લાખ રૂપિયા પરત માંગતા અશોક ઉશ્કેરાયો હતો અને ગાડીમાંથી ધોકો કાઢી વિશાલને માથામાં ફટકારી દીધો હતો લોહી નીકળવા લાગતા અશોક ત્યાંથી ભાગી ગયો હતો આ ફરિયાદ છ દિવસ પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી ત્યારથી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે પરંતુ અગાઉ એક હત્યાના ગુનામાં અશોક પકડાયેલો હોય શાતીર હોવાથી પોલીસને હાથ લાગતો નથી આ ઘટનામાં હજુ કોઈ સફળતા મળી નથી ત્યાં ફરિયાદી વિશાલ ગત રાત્રે આઠેક વાગ્યે નવાગામ રહેતા તેના યજમાનને ત્યાંથી પોતાનું વાહન લઈને પરત ઘર તરફ આવતો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે 1280 નંબરની ઇનોવા અને એક એક્ટિવાએ તેનો પીછો શરૂ કર્યો હતો અને ઇનોવામાં બેઠેલા અશોકના પુત્ર કેવલે ચાલુ ગાડીએ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ગાળો ભાંડી ધમકી આપી હતી અને કહ્યું હતું કે અત્યારે આ ગાડી તારી બાજુમાં ચાલે છે પણ જો ફરિયાદ પાછી નહિ ખેંચે તો આ ગાડી તારી માથે ચડાવી દઈશ અને બનાવ અકસ્માતમાં ખપાવી દઈશ તેમજ તારી ઉપર વિજ્ઞાન જાથાની રેડ પડાવી તારા ધતીંગનો પર્દાફાશ કરી તને બદનામ કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી મારા બાપે એક મર્ડર કર્યું છે બીજું કરવું પડે તો પણ કરી નાખીશું પહેલા બાપ અને હવે દીકરાની ધમકીથી કર્મકાંડી યુવક સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. પોલીસ આરોપીને પકડવા પ્રયત્નશીલ છે પરંતુ તે ત્વરિત પકડાય અને કાયદાનું ભાન કરાવાય તો ખાખી ઉપર પ્રજાનો ભરોસો ટકી રહેશે.