સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઇવ, 1574 દંડાયા May 16, 2019

  • સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઇવ, 1574 દંડાયા

રાજકોટ તા.16
રાજકોટ શહેરમાં પરાણે ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે શહેર પોલીસે આકરું વલણ અપનાવ્યું છે ત્યારે પ્રથમ દિવસે 1375 કેસ કર્યા પછી સતત બીજા દિવસે પણ જુદી જુદી 11 ટિમો મારફતે હોસ્પિટલ ચોક, કુવાડવા રોડ, ત્રિકોણ બાગ સહિતના સ્થળોએ 1574 એનસી કેસો કરી 1.63 લાખ રૂપિયાનો તોતિંગ દંડ પોલીસે ઉઘરાવ્યો હતો પોલીસના આ કડક વલણ સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.
શહેરમાં સૌથી વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિદ્ધાર્થ ખત્રી દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે લોકો ફરજિયાતપણે હેલ્મેટ પહેરે અને નિયમોનું પાલન કરે તે માટે હવે પોલીસે લાલ આંખ કરી છે ગઈકાલથી શરુ થયેલ ઝુંબેશ આજે પણ યથાવત રહી હતી ઝોન 2માં 10 ટિમો ઉતારી 1374 કેસો કરી 1.41 લાખનો દંડ ઉઘરાવવામાં આવ્યો હતો જયારે આજે 11 ટિમો મારફતે હોસ્પિટલ ચોક, કાલાવડ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ત્રિકોણ બાગ, કોર્પોરેશન ચોક, માલવિયા ચોક સહીત 11 સ્થળોએ હેલ્મેટ, સીટબેલ્ટ, ડાર્ક ગ્લાસ સહિતના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને રોકી 1574 એનસી કેસો કરવામાં આવ્યા હતા અને તમામ પાસેથી 1,62,800 રૂપિયાનો તોતિંગ દંડ વસુલ્યો હતો હેલ્મેટ લોકોની મહામૂલી ઝીંદગી બચાવવામાં ખુબ જ આશીર્વાદરૂપ સાબીત થતું હોય છે જેથી લોકો હેલ્મેટનો ઉપયોગ કરવાને પ્રાધાન્ય આપે તેવી પણ અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ કડકપણે દંડની કાર્યવાહી સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે