ચૂંટણી પરિણામ પહેલાં સોનિયા ગાંધી થયા સક્રિયMay 16, 2019

  • ચૂંટણી પરિણામ પહેલાં  સોનિયા ગાંધી થયા સક્રિય

નવીદિલ્હી તા,16
લોકસભાની ચૂંટણીમાં એક ચરણનું મતદાન બાકી છે ત્યારે યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી એકાએક સક્રિય થયાં છે અને તેમણે વિવિધ વિપક્ષી નેતાઓને ફોન કરવાની શરૂઆત કરી દીધી છે. તેમણે ફોન કરીને પૂછયું છે કે 22,23 અને 24 મેએ તમે દિલ્હીમાં હાજર રહેશો? આનો મતલબ એકદમ સાફ છે કે ચૂંટણીના પરિણામ પહેલાં જ સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓની બેઠક યોજવા માટેની જવાબદારી લઈ લીધી છે અને એ માટેની કવાયત શરૂ કરી દીધી છે. વિપક્ષી દળો એવી આશા રાખીને બેઠાં છે કે કેન્દ્રમાં એનડીએને બહુમતી નહીં મળે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે જો કોંગ્રેસ વિપક્ષી દળોની બેઠક બોલાવે તો એ સંદેશ આપવા માગે છે કે ભલે આપણે ચૂંટણી પહેલાં કોઈ ગઠબંધન કર્યું નથી પણ આપણે સૌ નરેન્દ્ર મોદીના વિરોધમાં લડયા છીએ અને એકજૂટ છીએ.
આ સાથે બીજો એક સંદેશ આપવાની પણ કોશિશ હશે કે ભાજપ કે એનડીએને બહુમતી ન મળે તો વિપક્ષોના ગઠબંધનને જ સરકાર બનાવવાનો મોકો આપવામાં આવે.
આંધ્ર પ્રદેશનાં મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ પણ ગઠબંધન બનાવવા માટે સક્રિય થયા છે. આ સંદર્ભમાં તેઓ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળી ચૂક્યા છે. 19 તારીખે ચૂંટણી પૂરી થયા બાદ 21મેએ વિપક્ષોના નેતાઓની એક બેઠક દિલ્હીમાં મળવાની છે અને એમાં ચૂંટણીના પરિણામો બાદ શું કરવામાં આવે એની ચર્ચા થશે. 23 મેએ પરિણામ આવવાનાં છે. જો ભાજપના નેતૃત્ત્વ વાળી એનડીએને બહુમતી નહીં મળે તો દેશના રાજકીય સમીકરણ પૂર્ણપણે બદલાઈ જવાના છે. પૂર્વથી પશ્ચિમમાં અને ઉત્તરથી દક્ષિણમાં એની અસર જોવા મળશે.