બંગાળ બચાવો - લોકશાહી બચાવોMay 16, 2019

  • બંગાળ બચાવો - લોકશાહી બચાવો

રાજકોટ તા.16
પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયા મુજબ આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા પશ્ર્ચિમ બંગાળના કોલકતામાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના રોડ શો ઉપર મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા થયેલા હિચકારા હુમલાના વિરોધમાં અમદાવાદ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો.
આ ધરણા કાર્યક્રમમાં મીડિયા સાથેના સંવાદમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહાનગર પ્રભારી આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે પશ્ર્ચિમ બંગાળના કોલકતા ખાતે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના રોડ શો ઉપર મમતા બેનરજીના ઇશારે તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોએ હિચકારો હુમલો કરીને લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યુ છે. આ હિચકારા હુમલાના વિરોધમાં પશ્ર્ચિમ બંગાળ બચાવો - લોકશાહી બચાવો અને દેશ બચાવોના નારા સાથે વિશાળ સંખ્યામાં ભાજપાના કાર્યકરોએ ઉપસ્થિત રહી લોકશાહીની આ કલંકરૂપ ઘટનાના વિરોધમાં ધરણા કર્યા હતા.
પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોના આવા હીન કૃત્યથી દેશના ઇતિહાસમાં કાળો અધ્યાય લખાયો છે. આ ધરણા કાર્યક્રમમાં અમદાવાદ મહાનગર ભાજપા અધ્યક્ષ જગદીશ પંચાલ, મેયર બીજલબેન પટેલ, સ્ટે. કમીટી ચેરમેન અમુલભાઇ ભટ્ટ સહિત શહેર સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યો, બોર્ડ/નિગમના ચેરમેન, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.