રાજકોટની પાણીની સમસ્યા હલ કરવા વપરાશમાં કરકસર જરૂરીMay 16, 2019

રાજકોટ તા,16
રાજકોટ શહેર વર્ષો વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. રાજકોટ-સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્ર્ન સંપૂર્ણ ચોમાસા આધારીત છે. ગત વર્ષ ચોમાસુ થોડું નબળુ રહ્યું હોવાથી આ વર્ષે રાજકોટની પ્રજાને પાણીની થોડી મુશ્કેલી ભોગવવી પડે તેવી સંભાવના છે. પાણીનો જથ્થો જરૂરિયાત મુજબનો હાલના સમયમાં આપણા આજી, ન્યારી, લાલપરી કે ભાદર ડેમમાં નથી. આપણે માત્રને માત્ર નર્મદાના પાણી ઉપર નિર્ભર છીએ. આ પાણી પ્રશ્ર્ન કુદરત આધારીત અને સમગ્ર પ્રજાજનને સ્પર્ષતો હોવાથી આપણી ફરજ બને છે કે વધુમાં વધુ પાણી બચાવવા પ્રયત્ન કરીએ તે આપણી રાષ્ટ્રહિતની ફરજ પણ છે.
રાજકોટ - સૌરાષ્ટ્રની પાણીની મુશ્કેલી દૂર કરવા રાજકોટ - સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ અને આમ પ્રજા રોજના પાણી વપરાશમાં સ્વૈચ્છિક કાપ મુકી, કરકસર કરી વધુમાં વધુ પાણી બચાવવા પ્રયત્ન કરવા જોઈએ જેમ કે અન્ય કામગીરી માટે બિન-પીવાના પાણીનો ફરીથી ઉપયોગ કરો, જ્યારે ડ્રાય વિકલ્પ શકય હોય ત્યારે સફાઈ પ્રક્રિયાઓમાંથી પાણી દૂર કરવું. પાણીના પ્રવાહમાં ઘટાડો કરવાથી ઈન્ડસ્ટ્રીમાં પાણી બચાવ ઉપકરણોને ઈન્સ્ટોલ કરવો, હાલના સાધનોને વધારે પાણી કાર્યક્ષમ સાધનોથી બદલો, વરસાદના સમયમાં છત પરથી પાડતા પાણીનો સંગ્રહ કરવો. આમ આપણે સંગ્રહ કરેલ પાણી દ્વારા પાણી સમસ્યા હળવી કરી શકાય તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સૌ વેપારી અને ઉદ્યોગકારો ઉપરાંત આમ જનતાને પણ અપીલ કરે છે કે આપણે સૌ સાથે મળી પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરીએ અને પાણી બચાવીએ.