હવે કમલ હાસન પર બૂટ ફેંકાયુંMay 16, 2019

  • હવે કમલ હાસન પર બૂટ ફેંકાયું

મુંબઇ તા.16
અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન પર તિરુપ્પરનકુંદરમ્ વિધાનસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મદુરાઇમાં ચંપલ ફેંકવામાં આવ્યું હતું. કમલ હાસને ત્રણ દિવસ પહેલાં એવું નિવેદન કર્યું હતું કે નાથુરામ ગોડસે આઝાદ ભારતનો પ્રથમ હિંદુ આતંકવાદી હતો. તેણે નાથુરામ ગોડસે દ્વારા મહાત્મા ગાંધીની હત્યા તરફ નિર્દેશ આપતાં આ વાત જણાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ફેેંકવામાં આવેલ ચંપલ કમલ હાસનને વાગ્યું નહોતું અને તે ટોળાં પર જ પડયું હતું. પોલીસમાં કરવામાં આવેલ ફરિયાદમાં ભાજપના કાર્યકર, હનુમાન સેના અને અન્ય સંગઠનના સભ્યો પર આરોપ મૂકવામાં આવ્યો છે. અરવાકુરુચી અને તિરુપ્પરનકુંદરમ્ વિધાનસભા બેઠક પર રવિવારે પેટા ચૂંટણી યોજાશે. કમલ હાસનની પાર્ટી મક્કલનિધિ મૈયમ (એમએનએમ)એ આ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
બીજી બાજુ વધુ વિવાદમાં ઘેરાયા બાદ કમલ હાસનેે જણાવ્યું હતું કે તેણે ગોડસે અંગેે જે વાત કરી છે તે એક ઐતિહાસિક સત્ય છે. કમલ હાસને મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીનની અરજી પણ દાખલ કરી છે. આ અગાઉ અદાલતે કમલ હાસનની અગાઉની પિટિશન પર ધ્યાન આપવા ઇનકાર કર્યો હતો. આ પિટિશનમાં કમલ હાસને પોતાના વિરુદ્ધ દાખલ થયેલી એફઆઇઆર રદ કરવા અપીલ કરી હતી.