સૌરાષ્ટ્રમાં હૃદયરોગના 22 ટકા કિસ્સામાં હાયપરટેન્શન કારણભૂતMay 16, 2019

  • સૌરાષ્ટ્રમાં હૃદયરોગના 22 ટકા કિસ્સામાં હાયપરટેન્શન કારણભૂત

રાજકોટ તા.16
દર વર્ષે આજનો દિવસ એટલે કે 17 મે વર્લ્ડ હાયપરટેન્શન ડે તરીકે ઉજવવામાં આવે છે. મે 2005 થી વર્લ્ડ હાયપરટેન્શન લીગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઉજવણીનો હેતુ વિશ્ર્વના લોકોમાં વધતા બ્લડપ્રેશરની પ્રાણઘાતક અસરોને કાબુમાં લાવવા જાગૃતિ લાવવાનો છે. આ ઉપરાંત આ મહામારીની ગંભીરતા અને વધતા જતા પ્રમાણને ધ્યાનમાં લઇને વર્લ્ડ હાયપરટેન્શન લીગ અને ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ હાયપરટેન્શનને આખા મે મહિનાને મે મેઝરમેન્ટ મન્થ તરીકે જાહેર કર્યો છે.
વોકહાર્ટ હોસ્પીટલના ઇન્ટરવેન્સનલ કાર્ડીયોલોજીસ્ટ ડો.અભિષેક રાવલે આ વિષયે માહિતી આપતા જણાવેલ હતું કે અનિયંત્રીત બ્લડપ્રેશર એ પેરાલીસીસ, હૃદયરોગ, બ્રેઇન હેમરેજ, કીડની ફેલ્યોર જેવી અનેક જીવલેણ બીમારીઓ માટે કારણભુત બને છે. હૃદય અને મગજના રોગો જેવા કે હાર્ટ ફેલ્યોર, હૃદયરોગના હુમલાઓ અને પેરાલીસીસ જેવા રોગોના 50 ટકા કિસ્સાઓમાં અનિયંત્રિત બ્લડપ્રેશર કારણભૂત હોય છે. વર્ષ 2000 માં વિશ્ર્વમાં અંદાજે 97.2 કરોડ લોકો હાયપરટેન્શનનો શિકાર હતા. આ સંખ્યા વર્ષ 2005 માં 1.56 અબજનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. આમાંથી પણ 60-70 ટકા દર્દીઓ આપણા દેશ જેવા વિકસતા દેશોમાં વસે છે. અલગ અલગ દેશોના સામાન્ય નાગરીકોમાં હાયપરટેન્શનનું પ્રમાણ 20-40 ટકા જોવા મળે છે. તેમાંથી માત્ર અડધા લોકોને જ પોતાની આ બીમારીની જાણ હોય છે અને તેમાંથી પણ માત્ર અડધા લોકો જ દવાઓ લે છે અને આ દવા લેતા લોકોમાંથી પણ માત્ર અડધા લોકો જ દવાઓ અને તપાસની નિયમિતતા જાળવીને બ્લડપ્રેશરનું સંતોષકારક નિયંત્રણ કરે છે. આ ચોંકાવનારી હકીકત આ બીમારીના નબળા નિયંત્રણને રજુ કરે છે.
વધુ માહિતી આપતા જણાવેલ હતું કે વૈશ્ર્વિક આરોગ્ય બજેટનો 10 થી 25 ટકા હિસ્સો બ્લડપ્રેશર અને તેને લગતી બીમારીઓના ઇલાજ પાછળ ખર્ચાઇ જાય છે. આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો હૃદયરોગના 20 થી 22 ટકા કિસ્સાઓમાં હાયપરટેન્શન કારણભૂત હોય છે. આ હાયપરટેન્શનના કારણો તરફ નજર દોડાવીએ તો તેમાં બિનસમતોલ આહાર જેમ કે નમકનું વધુ પડતું સેવન (30 ટકા)ફળો અને શાકભાજીનું ઓછું સેવન (20 ટકા) અને તે ઉપરાંત મેદસ્વીતા (30 ટકા), બેઠાડુ જીવન (20 ટકા) વગેરે હોય છે. આ સિવાય તેમાં દારૂ જેવા વ્યસનો, કીડની કે ગરદનની ધમનીઓનું સંકોચન, જન્મજાત બીમારીઓ, અમુક પ્રકારની ગાંઠ, સ્લીપ એપનીયા વગેરેનો સમાવેશ થાય છે.
ડો.અભિષેક રાવલે વધુમાં જણાવેલ હતું કે દવાઓ દ્વારા બ્લડપ્રેશર પર કાબુ મેળવવા દવાઓ તથા ચેકઅપની નિયમિતતા અનિવાર્ય છે. આ સિવાય સારવાર અને આ વ્યાધિને ઉદભવતો અટકાવવા માટે યોગ્ય જીવનશૈલી પણ એટલી જ મહત્વની બની રહી છે. તેમાં સૌથી મહત્વનું અંગ છે સમતોલ આહાર જેમાં નમક, શર્કરા તથા ચરબીયુકત ખોરાક ખાસ કરીને પ્રોસેસ્ડ ફુડનું નિયંત્રણ તથા કઠોળ, શાકભાજી અને ફળફળાદીનું વિપુલ પ્રમાણમાં સેવન મુખ્ય છે. મેદસ્વીતાનું નિયમન અને યોગ્ય વજન જાળવવું પણ ચાવીરૂપ છે. યોગ્ય સમયની સપ્રમાણ ઉંઘ, કસરોત, યોગ, પ્રાણાયામ અને અન્ય ઉપાયો દ્વારા માનસીક તાણ ઘટાડવું પણ એટલું જ જરૂરી છે.