લીંબડીમાં પાણી ન મળતા ભાજપ પ્રમુખ ઉપર વેપારીનો હુમલોMay 16, 2019

  • લીંબડીમાં પાણી ન મળતા ભાજપ  પ્રમુખ ઉપર વેપારીનો હુમલો

 ટોળાંએ વચ્ચે પડી છોડાવ્યા : પિતા-પુત્રને મારી નાખવાની ધમકી આપી
વઢવાણ તા.16
લીંબડી શહેર ભાજપના પ્રમુખને લીંબડી શાક માર્કેટ પાસે એક શખ્સે પોતાની ખાણી-પીણીની દુકાને પાણી ન આવતું હોવાની દાઝ રાખી ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનારે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી શહેરનાં ચોરાપા શેરીમાં રહેતાં તેમજ શાકભાજીનો હોલસેલ વેપાર કરતાં અને લીંબડી શહેર ભાજપ પ્રમુખ તરીકેના હોદ્દો ધરાવતાં દલસુખભાઈ સોંડાભાઈ ચૌહાણ જાતે દલવાડી ઉ.વ.51વાળા સાંજના સમયે લીંબડી શાક માર્કેટમાં આવેલ પોતાની દુકાને હાજર હતાં તે દરમ્યાન ભગીરથસિંહ (આસ્થા પાઉભાજીવાળા) દુકાને આવી તેમની પાઉભાજીની દુકાને પાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી તેમ જણાવી ગાળો દેવા લાગ્યા હતાં. ઝઘડો કરી ઝપાઝપી કરી ઢીકા-પાટુનો માર મારતાં બંન્ને પુત્રો મેહુલ અને વિપુલ છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ઢીકા-પાટુનો માર માર્યો હતો. આથી આસપાસના
(અનુસંધાન પાના નં. 8)
દુકાનદારો એકત્ર થઈ ગયાં હતાં અને છોડાવ્યા હતાં ત્યારબાદ ભગીરથસિંહ જતાં જતાં પિતા અને પુત્રોને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
જયારે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની પાઉભાજીની દુકાને ઘણા સમયથી પાણી આવતું નહોતું જે અંગે અગાઉ વાત કરી હતી પરંતુ કોઈ કારણોસર પાણીનો પ્રશ્ન હલ ન થતાં તેની દાઝ રાખી ઝઘડો કરી માર માર્યો હોવાનું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જયારે આ અંગે લીંબડી નગરપાલિકાના પ્રમુખ ધીરૂભાઈ ખાંદલાના જણાવ્યા મુજબ કોઈપણ અસામાજીક તત્વો સામે કડકમાં કડક સજા થવી જોઈએ તેમજ નગરપાલિકામાં મનફાવે તેમ ગાળો બોલી શહેર ભાજપ પ્રમુખ પર હુમલો કરનાર અસામાજીક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.