મુંબઇના ડબ્બાવાળાઓની બ્રિટનના ‘શાહી’ પ્રિન્સને ભેટMay 16, 2019

  • મુંબઇના ડબ્બાવાળાઓની  બ્રિટનના ‘શાહી’ પ્રિન્સને ભેટ

મુંબઇ તા.16
બ્રિટનના શાહી પરિવારમાં થોડા દિવસ પૂર્વે નવા મહેમાનનું આગમન થયું છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના પૂત્ર માટે મુંબઇના ડબ્બાવાળાઓએ ભેટ-સોગાદો મોકલાવી છે. પાંચ હજાર ડબ્બાવાળાઓએ ભેગા થઇને પૈસા ભેગા કરીને શાહી મહેમાન માટે ચાંદીના કડા, કંદોરો અને લોકેટ મોકલાવ્યું છે. મુંબઇ ડબ્બાવાળા એસોસિએશનના અધ્યક્ષ સુભાષ તલેકરે કહ્યું કે, પ્રિન્સ ચાર્લ્સ અમારા મિત્ર છે. તેઓ દાદા બન્યાં છે. પ્રિન્સ ચાર્લ્સના લીધે મુંબઇના ડબ્બાવાળાઓને ઓળખ મળી છે અને તેથી રાજઘરાનામાં રાજપુત્ર પેદા થવા પર બધાને આનંદ છે.શાહી બાળક માટે મોકલવામા આવેલા આ લોકેટમાં હનુમાનજીનું ચિત્ર છે. તાલેકરે કહ્યું કે, અમારી ઇચ્છા છે કે બાળક શક્તિશાળી અને સામર્થ્યવાન બને. નવજાત બાળક માટે આ વિશેષ ભેટ બ્રિટિશ કાઉન્સિલને સોંપવામાં આવી હતી. 2003માં ઇંગ્લેન્ડના રાજકુમાર પ્રિન્સ ચાર્લ્સ ભારતના પ્રવાસે આવ્યાં હતા ત્યારે મુંબઇના ડબ્બાવાળાઓને મળવાની ઇચ્છા જાહેર કરી હતી. ડબ્બાવાળાઓએ ત્યારે પ્રિન્સ ચાર્લ્સને મળવા માટે તેમના ખાલી સમયમાં આવવું પડશે કારણ કે પ્રિન્સને મળવા માટે તેઓ પોતાના બે લાખ ગ્રાહકોને તકલીફ ન આપી શકે અને બીજું કે પ્રિન્સે પોતે મળવા આવવું પડશે.
પ્રિન્સ ચાર્લ્સ ત્યારે આ બંને શરતો માનીને ડબ્બાવાળાઓને મળવા પહોંચ્યા હતા.પ્રિન્સ ચાર્લ્સે પોતાના પુત્રના લગ્નમાં પણ ડબ્બાવાળાઓને આમંત્રિત કર્યાં હતા અને લગભગ 1500 ડબ્બાવાળા આ શાહી લગ્નમાં પહોંચ્યા હતા.