‘મુંબઇ’ના કોચ બનવા અરજદારોનો ઢગલોMay 16, 2019

  • ‘મુંબઇ’ના કોચ બનવા  અરજદારોનો ઢગલો

મુંબઈ તા.16
ભારતના ભૂતપૂર્વ લેગ-સ્પિનર સાઈરાજ બહુતુલે, રાષ્ટ્રના માજી બેટ્સમેન અતુલ બેદાડે અને મુંબઈની રણજી ટ્રોફી ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર સુલક્ષણ કુલકર્ણી, વિનાયક સામંત અને સંદીપ દહાડે મુંબઈની ટીમના કોચના હોદ્દા માટે અરજી કરી છે.
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન દ્વારા પોતાની વેબસાઈટ પર ગયા અઠવાડિયે મૂકવામાં આવેલ જાહેરખબર પ્રમાણે અરજી કરવા માટેની મુદતનો સમય સોમવારે સાંજે 4 વાગ્યે પૂરો થયો હતો. બધા ઉમેદવારોનો એસોસિયેશનની ક્રિકેટ સુધારક સમિતિ દ્વારા ઈન્ટરવ્યૂ લેવાશે જેના વડા તરીકે રાષ્ટ્રના ભૂતપૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકર છે. ભારત વતી બે ટેસ્ટ અને આઠ વન-ડે રમેલ બહુતુલેએ બંગાળની ટીમને છેલ્લી ત્રણ મોસમમાં ટ્રેનિંગ આપી છે. બેદાડેએ વડોદરાની ટીમને છેલ્લી બે મોસમમાં તાલીમ આપી છે અને હાલમાં તે વડોદરાની મહિલા ટીમનો કોચ છે. વિદર્ભની ટીમનો કોચ બનવા પહેલા કુલકર્ણીએ 2011-14 દરમિયાન મુંબઈની ટીમને તાલીમ આપી હતી તથા તેના માર્ગદર્શન હેઠળ મુંબઈએ 2012-13માં રણજી ટ્રોફી સ્પર્ધા જીતી હતી. સામંત ગઈ મોસમમાં મુંબઈની ટીમનો કોચ રહ્યો હતો અને દહાડ થોડા વર્ષ પૂર્વે ત્રિપુરાનો કોચ હતો.