અમરેલીમા દુષિત પાણી પીવાથી મહિલાનું મોત?May 16, 2019

 પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતાં મહિલાની તબિયત
લથડી : રાજકોટ સારવાર દરમિયાન દમ તોડ્યો
અમરેલી તા,16
અમરેલી:નગરપાલીકાની ઘોર બેદરકારીના કારણે અહિંના બટારવાડીના કેટલાક વિસ્તારમાં ગટરનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી રહ્યું છે. જેને લઈને રોગચાળાનો ગંભીર ખતરો ઉભો થયો છે. આ વિસ્તારની બે મહિલાને કમળો થયા બાદ એક સગર્ભા મહિલાનું મોત થઇ ચુક્યુ છે. 25 દિવસથી આ સમસ્યા હોવા છતાં તંત્ર ધ્યાન આપતુ નથી. પાંચ દિવસથી લાઇન ખોદી હોવા છતાં રીપેરીંગ થતુ નથી. જેથી લોકોમાં આ મુદે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ અમરેલી શહેરના લોકોને પીવાનું પુરતું પાણી મળી રહ્યું નથી. જ્યારે બીજી તરફ જે પાણી મળી રહ્યું છે તે પણ ડહોળુ અને પ્રદુષીત પાણી હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. અમરેલીમાં બટારવાડી વિસ્તારમાં આવેલા કાબરીયાચોક વિસ્તારમાં તો પીવાના પાણીની મેઇન પાઇપ લાઇનમાં ગટરના ગંદા પાણી ઘુસી જતા હોવાની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. આમ છતાં નગરપાલીકાના બેદરકાર તંત્ર દ્વારા કોઇ જ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. પાછલા 25 દિવસથી આ વિસ્તારમાં જ્યારે નગરપાલીકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે ત્યારે લોકોને નળ વાટે સૌ પ્રથમ ગટરનું ગંદુ પાણી મળે છે. સ્થાનિક લોકો દ્વારા આ મુદે પાલીકામાં વારંવાર રજુઆતો કરવામાં આવી છે. આમ છતાં સમસ્યાનું કોઇ નિરાકરણ આવ્યુ નથી. લોકોનો આક્રોશ વધતા આ પ્રશ્ન ઉકેલવા માટે પાંચ દિવસ પહેલા અહિં નગરપાલીકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યુ હતું. પરંતુ નગરપાલીકાના કર્મચારીઓ એ નક્કી કરી શક્યા ન હતાં કે પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળે છે કઇ જગ્યાએથી, જેના કારણે છેલ્લા પાંચ દિવસથી આ વિસ્તારમાં ખાડાઓ ખોદી રાખવામાં આવ્યા છે. અહિંના લોકો અગાઉ પ્રદુષીત પાણીની સમસ્યા ભોગવતા હતા અને હવે સાથે સાથે રસ્તા વચ્ચે ખાડાઓ ખોદી નખાયા હોય તેની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે.