કેશોદ નજીક કાર-બાઈક વચ્ચે ટક્કરમાં આધેડનું મોતMay 16, 2019

  • કેશોદ નજીક કાર-બાઈક વચ્ચે ટક્કરમાં આધેડનું મોત

જૂનાગઢ તા,16
કેશોદનો સોંદરડા અને કોયલાણા રોડ આજે વહેલી સવારે ગોજારો બન્યો હતો. એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા સોંદરડા ગામના એક આધેડનુ મોત થવા પામ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે કેશોદના સોંદરડા અને કોયલાણા વચ્ચે એક અજાણ્યા કાર ચાલકે સોદરડા ગામના દીલીપભાઇ દેવાભાઇ સોલંકી (ઉ.વ.55)ના બજાજ એમ 80 મોટર સાયકલને પોતાની કારમાં અડફેટે લેતા દિલીપભાઇને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અંગે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરાતા એમ્બ્યુલન્સમા દીલીપભાઇને દવાખાને ખસેડાયા હતા. સારવાર મળે તે પહેલા જ દીલીપભાનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું અને ફરજ પરના તબીબે દીલીપભાઇ સોલંકીને મૃત જાહેર કર્યા હતા.
મૃતક દીલીપભાઇ દેવાભાઇ સોલંકી, સોદરડા ગામના વતની હોવાનું તથા ધ્રામળવા (ગીર) વિસ્તારમાં કેરીનો બગીચો ભાડે રાખેલ હોય ત્યાં મોટર સાયકલ ઉપર જઇ રહ્યા હતા. ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. હાલમા કેશોદ પોલીસ ઘટનાસ્થળે છે અને વધુ તપાસ આરંભાઈ છે.