કચ્છની 250 ગાય-માલધારીઓનો નાની વાવડીના ગ્રામજનોએ કર્યો નિભાવMay 16, 2019

મોરબી તા.16
આજથી બે મહિના પહેલા કચ્છના માલધારીઓ 250 ગોમાતાઓ સાથે કચ્છમાંથી હિજરત કરીને મોરબીના નાની વાવડી ગામે આવ્યા હતા. નાની વાવડી ગામે માલધારીઓએ 250 ગોમાતાઓને બચાવવા માટે ગામલોકો સમક્ષ મદદનો પોકાર કર્યો હતો આથી ભૂખે તરસે ભભરડા મારતી લાચાર ગોમતાની હાલત જોઈને સરપંચ સહિતના ગ્રામજનો ગોમાતાઓની વાહરે આવ્યા હતા અને ગોમાતાઓને ગામના ઈશ્વરીય મહાદેવ પાસે ફેન્સીગ કરેલા કંપાઉન્ડમાં આશરો આપ્યો હતો. ગામના બે પાણીના અવાડા ગોમાતા માટે ખુલ્લા મૂકી દીધા હતા. બે માસથી નાની વાવડી ગામના લોકો તથા આસપાસના લોકો આ ગોમતાની નિયમિત ઘાસચારો આપે છે. દરરોજ સવારે ગામનો કોઈને કોઈ માણસ ગોમતાની નીણ નાખે છે. આ રીતે બે માસથી લોકો ગોમતાની સેવા ચાકરી કરીને મોતના મુખમાંથી ઉગારી લીધી છે જેમાં નાની વાવડી ગામના લોકો હિજરત કરીને આવેલી 250 ગોમાતાને ઘાસચારો અને પાણી નિયમિત આપીને બચાવી લીધી છે. દુષ્કાળ ગ્રસ્ત કચ્છમાં માલધારીઓ માટે સરકારે જે વ્યવસ્થા કરવી જોઈએ તે નાની વાવડી ગામના લોકોએ પૂરું પાડીને માનવ ધર્મ દિપાવ્યો છે. નાની વાવડી ગામના લોકો એટલું જ કહે છે કે, અમે પ્રસિધ્ધી માટે આ સેવાનું કામ કર્યું નથી. ગામલોકોએ માનવ ધર્મ બજાવ્યો છે. ગ્રામલોકોના સેવા કાર્યથી પ્રેરણા મેળવીને કદાચ કચ્છથી હિજરત કરીને અન્ય માલધારીઓ બીજા ગામ જાય તો ત્યાં પણ લોકો આવી મદદ કરે તેવો ગામલોકોનો ઉદેશ્ય છે.