ટેકાના ભાવે થયેલ ખરીદીમાં ખેડૂતોના હીતમાં કોઇ બાંધ છોડ નહીં, રાદડિયાMay 16, 2019

  • ટેકાના ભાવે થયેલ ખરીદીમાં ખેડૂતોના હીતમાં કોઇ બાંધ છોડ નહીં, રાદડિયા

ગાંધીનગર તા.16
ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ચાલુ વર્ષે જુદા જુદા એ.પી.એમ.સી. કેન્દ્રો ઉપરથી મગફળી, ચણા, તુવેર, રાયડો તથા અન્ય જણસોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.
કેશોદ માર્કેટ યાર્ડના સેન્ટર ઉપરથી તુવેરની ઘટના સામે આવેલ હતી. જેમાં રાજય સરકારે કડક હાથે કાર્યવાહી કરેલ છે અને 3241 બોરી રાજય સરકાર દ્વારા સીઝ કરવામાં આવેલ છે. આ ઘટના સાથે સંકળાયેલ 8 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે. જેમાંથી 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવેલ છે.
કોંગ્રેસના આગેવાનો અને કહેવાતા ખેડૂતનેતાઓ દ્વારા ખેડૂતોને મુશ્કેલી ઉભી થાય તથા રાજય સરકારને બદનામ કરવાના પ્રયત્નો થઈ રહેલ છે. વિસાવદર ખાતે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા 22000 તુવેરની બોરીઓનું કૌભાંડ થયેલ છે તેમ જણાવેલ, જે અંગે પુરવઠા વિભાગ દ્વારા વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં રહેલ તમામ બોરીઓનું ચેકીંગ કરવામાં આવેલ છે. 22685 તુવેરની બોરીઓની વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં ચકાસણી કરવામાં આવેલ છે. જેમાં સારામાં સારી ગુણવતાવાળી તુવેર જોવા મળેલ છે અને આ તમામ તુવેરનો જથ્થો ગોડાઉનમાં શીફર કરવામાં આવેલ છે.
કોંગ્રેસના આગેવાનો અને કહેવાતા ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવેલ આરોપોને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. કોંગ્રેસના શાસન દરમ્યાન ખેડૂતોને લાઠીઓ તથા ગોળીઓ ખાવી પડે તેવી ઘટનાઓ બનેલ છે. જેથી કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ર્ને રાજનીતિ કરવાનું બંધ કરે રાજય સરકાર દ્વારા મગફળી, તુવેર, ડાંગર, મકાઈ, રાયડો તથા બાજરીની ખરીદીમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડવા દીધી નથી અને ટેકાના ભાવે અનેક સ્થળોએ ખરીદીની કાર્યવાહી થતી હોઈ કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને મુશ્કેલી થાય તેવા પ્રયત્નો કરી રહેલ છે.
કેશોદ સેન્ટર ઉપર 3241 તુવેરની ગુણીમાં હલકી ગુણવત્તાવાળો માલ આવેલ હતો જે તમામ જથ્થો સીઝ કરવામાં આવેલ છે. આ જથ્થો ખેડૂતોને ન હતો. વ્યાપારીઓનો માલ હતો અને રાજય સરકાર દ્વારા તેનું પેમેન્ટ પણ કરવામાં આવેલ નથી. ખેડૂતોને પેમેન્ટ ન આપવાનો કોઈ પ્રશ્ર્ન નથી. 22685 તુવેરની બોરીઓનું પેમેન્ટની કાર્યવાહી હાલમાં ચાલી રહેલ છે. અત્યાર સુધીમાં કુલ રૂા. 184 કરોડની 33 હજાર મે.ટન તુવેરની ખરીદી કરી, એમા આજની તારીખે રૂા.150 કરોડ ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં બાકી રહેલ રૂા.34 કરોડના ચૂકવણાની કાર્યવાહી હાલ ચાલુ છે. ટુંક સમયમાં ખેડૂતોના ખાતામાં આ રકમ જમા કરવામાં આવશે. જેથી કોંગ્રેસના આગેવાનો દ્વારા કૌભાંડની જે વાતો કરવામાં આવે છે તે વ્યાજબી નથી, માત્ર રાજકીય વાહવાહી મેળવવા અને આવનારા દિવસોમાં ખેડૂતોને મુશ્કેલી પડે તેવા પ્રયત્નો કરી રહેલ છે. તળાજા ગોડાઉનમાં પણ કોંગ્રેસના સભ્યો દ્વારા ખોટી રીતે ગોડાઉનમાં ઘૂસણખોરી કરી તપાસ કરવામાં આવેલ હતી. જે ખેડૂતોએ માલ આપેલ છે તેઓને સો એ સો ટકા પેમેન્ટ મળી જશે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણયો લઈ રહેલ છે તેમ જયેશભાઈ રાદડીયા, મંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવેલ હતું.